બોટાદના ઝેરી કેમિકલકાંડ (Botad Poisonous Liquor)નુ ષડયંત્ર ત્રણ તબક્કામાં રચાયુ હતું. પોલીસનો દાવો છે કે, મૃતકોએ દારૂ નહીં પરંતુ સીધુ જ કેમિકલ (Chemical Liquor) પીધું હતું. અને ફક્ત 20 રૂપિયામાં મોતની પોટલીઓ વેચાઈ હતી. અમદાવાદના પીપળમાં ઈમોસ કંપનીના ગોડાઉન (Pipalaj cemical fectory)માં પહેલો તબક્કો રચાયો હતો.
મુખ્ય આરોપી જયેશ રમેશ ખાવડિયા કંપનીમાં ગોડાઉન મેનેજર હતો. અને તેને જ કન્ટેનરમાંથી થોડુ થોડુ મિથેનોલ ચોરીને 600 લીટર મિથેનોલ (Methanol) ભેગુ કર્યું હતું. ઈમોસ કંપની મિથેનોલ (Methanol)નો વેપાર કરતી કંપની છે. આ કંપની ગોડાઉનમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી હતી. જ્યાં મોટા અક્ષરોમાં મિથેનોલ કેમિકલની ગંભીરતાના લખાણો પણ લગાડાયેલા જોવા મળ્યા હતા. અને અહીં જ મુખ્ય આરોપી જયેશ ગોડાઉનમાં કામ કરતો હતો. અને તેણે મિથેનોલ કેમિકલની ચોરી કરી હતી.
ઝેરી કેમિકલકાંડના ષડયંત્રમાં બીજા તબક્કામાં સંયજની ભૂમિકા હતી. સંજય મુખ્ય આરોપી જયેશનો સંબંધી છે. જયેશે 3 બેરલ મિથેનોલનો છોટાહાથી ટેમ્પામાં નભોઈ ગામમાં પિન્ટુ અને સંજયને આપ્યું હતું. જ્યાં નભોઈ ગામમાં ટેમ્પામાંથી બેરલ ઉતારાયા હતા. આ માટે જયેશે 40 હજાર રૂપિયા લીધા હતા. જ્યારે અન્ય વધારાનો માલ ચોકડી ગામના પિન્ટુ નામના વ્યક્તિને અપાયો હતો. આ જ પિન્ટુએ આસપાસના ગામોમાં કેમિકલ સપ્લાય કર્યું હતું.
ત્રીજા તબક્કામાં મિથેનોલ કેમિકલની સીધી મોતની પોટલીઓ બનાવીને રૂપિયા 20માં વેચાણ કરાઈ હતી. જો કે 600 લીટરમાંથી 500 લીટર મિથેનોલ કબ્જે કરાયુ છે. પોલીસના મતે 100 લીટર મિથેનોલ કેમિકલ લોકોએ સીધું પીધુ હતું.
ન્યૂઝ 18 ગુજરાતીએ સૌથી પહેલા આ માહિતી પ્રસારિત કરી હતી. પોલીસના મતે આરોપીઓએ અમદાવાદના ધંધુકા, બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં આ કેમિકલ આપ્યું હતું. પોલીસે મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી છે. જો કે, તેની માતાએ કહ્યું, પોલીસ જયેશના ભાઈ અને તેના પતિને પણ ઉઠાવી ગઈ છે.
FSL રીપોર્ટમાં પણ ખુલાસો થયો છે કે, લોકોએ 98.99 ટકા સીધુ મિથેનોલ પીધુ હતું. એટલે કે આરોપી બુટલેગરોએ મિથેનોલ કેમિકલમાં પાણી પણ નહોતું ઉમેર્યું. આ મામલે બરવાળા પોલીસે એક મહિલા સહિત 14 લોકો સામે IPC 302, 328, 120 કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓ સામે ઝેરી કેમિકલ ઈરાદાપુર્વક વેચ્યુ અને 20 રૂપિયામાં એક મોતની પોટલી વેચી હોવાનો પણ ઉલ્લેખ છે.
તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં કુલ 88 દર્દીઓને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા છે જેમાંથી 14 ના થયા છે મોત, હાલ 73 લોકો સારવારમાં છે જેમાં 7 દર્દીઓની હાલત ગંભીર છે. ત્યાં જ અત્યાર સુધીમાં કુલ 37 લોકોના આ ઘટનામાં મોત નિપજ્યા છે. ત્યાં જ મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર