બોટાદ (Botad)ના અલગ-અલગ બે તાલુકામાં કેમિકલ કાંડ (botad chemical scandal) બનતા દોડધામ મચી ગઈ હતી. આ કેમિકલ કાંડમાં કુલ 49 લોકોના મોત થયા છે ત્યારે પચાસથી વધુ લોકોને કેમિકલ કાંડ (chemical scandal)ની અસર થઈ છે. મહત્ત્વનું છે કે આ મામલે કુલ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જેમાં અલગ-અલગ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો એમોસ કંપનીમાંથી આ કેમિકલ જયેશ નામના આરોપીએ ચોરી કરીને બુટલેગરોને આપ્યા હતા. જેથી આ કેમિકલ પીવાથી લોકોના મોત થયા છે. આ સમગ્ર મામલે બે આઇપીએસની બદલી પણ કરવામાં આવી અને પીએસઆઇ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ કેમિકલ કાંડની તપાસ આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રોયને સોંપવામાં આવતા જ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
આ મામલે આઇપીએસ અધિકારી દ્વારા નિવેદન લેવા માટે એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ સહિત 4 લોકોને સોમવારે બરવાળા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ પણ વ્યક્તિ હાજર થયા ના હતા. જેથી આ તમામ લોકોને ફરી નિવેદન માટે બોલાવવામાં આવી શકે છે અને એ લોકો હાજર નહીં થાય તો આગળ કાર્યવાહી પણ થઈ શકે છે.
જોકે ટેકનિકલી 3 વાર નોટિસ આપવામાં આવે છે. હવે આ મામલે વધુ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. મહત્ત્વની વાત એ છે કે કેમિકલ કાંડ બાદ પણ રાજ્યમાં જે રીતે કાર્યવાહી થઈ રહી છે તે માટે તમામ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ મામલે કમિટીની જે રચના કરવામાં આવી હતી તેમનો રિપોર્ટ તો સોંપી દેવાયો છે ત્યારે હવે તપાસ અધિકારીની તપાસમાં કોની શું ભૂમિકા છે તે સ્પષ્ટ થઈ જશે.