ભાવનગરઃ આર્થિક સંકળામણ અને અંધશ્રદ્ધાના વહેમમાં વધુ એક પરિવારનો માળો વિખાયો છે. સોમવારે ભાવનગર જીલ્લાના તળાજાના ઝાંઝમેર ગામના રહેવાસી ગીતાબેને પોતાના પાંચ સંતાનો સાથે રાજપરા પાસેના પાંચ પીપળા ગામને કૂવામાં ઝંપલાવ્યું હતું. આ બનાવમાં ચાર બાળકોનાં મોત થયા છે, જ્યારે એક બાળકી અને માતાને ગામલોકોએ બચાવી લીધા છે. મહિલાની એક દીકરી મોતને ભેટી છે જ્યારે એક દીકરીનો બચાવ થયો છે. જ્યારે તેના ત્રણ પુત્રોનું મોત થઈ ગયું છે.
બનાવ બાદ મીડિયા સાથે વાતચીત કરતા મહિલાએ સતત એવું રટણ કર્યું હતું કે તેને ભૂત દેખાતા હતા. છેલ્લા બે વર્ષથી તેની સાથે આવું બની રહ્યું હતું. આ માટે તેણે પોતાનું જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હતો. તેના ગયા બાદ પોતાના સંતાનોનું શું થશે તે વિચારથી તેણે સંતાનોને સાથે લઈ જઈને આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. મહિલાએ એવું પણ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી તેની આર્થિક સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. તેમને અનેક વખત બે ટંક ખાવાના પણ ફાંફા પડી જતા હતા.
"ભૂત કહે અને હું સાંભળું. ભૂતના માથા દેખાય. એ મને કહેતા આવી રીતે તારા છોકરાઓની લાશો વિખેરાશે. બધે ભડતા થતાં હતા. એ વાત હું સહન નહોતી કરી શકતી. મને થયું કે હું આમાંથી છૂટીને જિંદગી ટૂંકાવી લવ. મને વિચાર આવ્યો હું છૂટી જઈશ તો બાળકોનું શું થશે. એ માટે તેમને પણ સાથે લઈ જવાનો વિચાર કર્યો હતો."
"બે ટંક ખાવાના પણ ફાંફા હતા"
"હું મારા પતિને કહ્યાં કરતી કે મારે આ બધી પીડામાંથી બહાર નીકળી જવું છે. તમે ન હોવ ત્યારે છોકરા પાણી વગરના આંટા મારતા હોય છે. કોઈ એક બટકું રોટલો પણ આપે એમ નથી. આપણા બંને સિવાય તેમની પાછળ કોઈ નથી. હું ખાટલામાં પડી છું. હું ફક્ત હરી-ફરી શકું છું એટલું જ છે. પૈસાની ખૂબ તકલીફ હતી. ટકે ખાવના પણ ફાંફા હતા. પાડોશીના ઘરેથી લોટ લઈને છોકરાઓને ખવડાવતા હતા."
"બે વર્ષથી આ બધું થયું"
"મને બે વર્ષથી આ તકલીફ થઈ છે ત્યારથી અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. પહેલા અમારી પરિસ્થિતિ ખૂબ સારી હતી. હું ગયા પછી મારા છોકરા ક્યાંક વલખા ન મારે તે માટે મેં વિચાર કર્યો કે હું તેમને પણ સાથે લઈને જાવ. પહેલા મેં મારી છોકરાઓને કૂવામાં ફેંકી દીધા હતા બાદમાં હું કૂદી ગઈ હતી. બે વર્ષથી હું ઉંઘી પણ નથી શકતી. હું આંખ બંધ કરું છું સ્મશાન અને હાડકા દેખાય છે. ડરી જવાય એવા ભૂતડા દેખાય છે. મને ખબર હતી કે માતા પતિ મને તેની નજર સામે નહીં મરવા દે. એટલે હું માતાજીના દર્શન કરવાનું બહાનું કાઢીને ઘરેથી નીકળી હતી."
મહિલાના પતિએ જણાવ્યું હતું કે, "તેઓ ખેતમજૂરીનું કામ કરતા હતા. આ દરમિયાન તેમના જીવનનિર્વાહનો ખર્ચ ખેત માલિક તરફથી ચુકવાતો હતો. અનેક વખત એવું બનતું હતું કે ઘરે ખાવાનું લોટ પણ ખૂટી જતો હતો."