ભાવનગર જિલ્લાનાં તળાજા અને મહુવાનાં દરિયાકાંઠાનાં ગામડાઓ તેમની આસપાસ થઇ રહેલા અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા થતા માઇનીંગનો વિરોધ કરી રહ્યા છે અને અહિંસક આંદોલન કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ ગુરુવારથી એવી જાહેરાત કરી છે કે, જ્યાં સુંધી અલ્ટ્રાટ્રેક કંપની માઇનીંગ બંધ ન કરે અને આ માઇનીંગ રદ ના થાય ત્યાં સુધી ગામડાઓ બંધ પાળશે અને તમામ સરકારી કાર્યક્રમોનો વિરોધ કરશે. એટલુ જ નહીં પણ અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરશે.
આંદોલનનાં નેતા ભરત ભીલે જણાવ્યું કે, અમારું આંદોલન અહિંસક છે. અમે ઇચ્છીએ છીએ કે, આ વિસ્તારનાં ગામડાઓ બચાવવા માટે માઇનીંગને રદ કરવામાં આવે અને કંપનીને આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવે. અસરગ્રસ્ત ગામડાઓમાં તમામ શાળાઓ બંધ પાળશે. હા, જો કંપનીનાં માણસો કે સરકારનાં પ્રતિનિધી અમારી પાસે ચર્ચા કરવા આવશે તો તેમની સાથે ચર્ચા કરીશું”.
“અમારો એ નિર્ધાર છે કે જ્યાં સુંધી અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની દ્વારા માઇનીંગ પ્રોજેક્ટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે” ભરત ભીલે વધુમાં જણાવ્યું હતું.
ભરત ભીલ આંદોલનને યુવા નેતૃત્વ આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લાનાં તળજા તાલુકામાં થોડા દિવસો પહેલા અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા થતા માઇનિંગ સામે વિરોધ કરનારા સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ અને પોલીસે સ્થાનિક લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.
સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેમના પર બેફામ સિતમ ગુજાર્યો હતો અને ખુબ માર માર્યો હતો. સામે પક્ષે આ ઘર્ષણમાં પોલીસને પણ ઇજા થઇ હતી.
આ ઘર્ષણ બાદ માઇનિંગનો વિરોધ કરનારા લોકો સામે ફરિયાદ દાખલ થઇ હતી અને 92 લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. કોર્ટે આ તમામ લોકોને શરતી જામીન આપ્યા હતા પણ સ્થાનિક લોકોએ નક્કી કર્યુ છે કે, તેઓ માઇનિંગ સામે લડી લેવા મૂડમાં છે.