મોરારિ બાપુએ શ્રેષ્ઠ શિક્ષક-શિક્ષિકાને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કર્યા

News18 Gujarati
Updated: January 16, 2020, 11:40 AM IST
મોરારિ બાપુએ શ્રેષ્ઠ શિક્ષક-શિક્ષિકાને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કર્યા
ચાલુ વર્ષમાં નિવૃત્ત થનારા મહુવા તાલુકાના 12 પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

ચાલુ વર્ષમાં નિવૃત્ત થનારા મહુવા તાલુકાના 12 પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

  • Share this:
અનિલ માઢક, મહુવા : ચિત્રકુટધામ તલગાજરડા ગામ ખાતે મોરારિબાપુ દ્વારા ગુજરાતના પ્રાથમિક શાળાનાં શિક્ષકો પૈકીનાં ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ દ્વારા પસંદ કરવામાં આવેલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ચિત્રકૂટ એવોર્ડ આપીને વંદન કરવામાં આવી હતી. ઉપરાંત ચાલુ વર્ષમાં નિવૃત્ત થનારા મહુવા તાલુકાના 12 પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે તલગાજરડા પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા સૈનિકના યુનિફોર્મમાં રાષ્ટ્રભક્તિનું નૃત્ય-ગીત  પ્રસ્તુત કરવામાં આવ્યું. મહુવા તાલુકાનાં આસરાણા ગામના પ્રાથમિક શિક્ષક રસિકભાઈ અમીન દ્વારા 2011થી 2019 સુધીનાં ચિત્રકુટધામ એવોર્ડમાં બાપુના પ્રવચનોનાં સંકલન રૂપે તૈયાર થયેલી પુસ્તિકાનું વિમોચન થયું.

આ અંગે સીતારામ બાપુએ જણાવ્યું હતું કે, સંસ્કૃતિ અને શિક્ષણનાં વિકાસમાં મૂલ્ય પાયાનું તત્વ છે. શિક્ષણથી મૂલ્યોનું સિંચન થાય છે. બુદ્ધ ભગવાનની વાત દ્વારા તેઓ એ સમજાયું કે, શીલ એ શિક્ષણનું ભૂષણ છે. કાર્યક્રમમાં મધુકર ઓઝા, મહામંત્રી સતીશ ભાઈ પટેલ, ભાભલુ ભાઈ વરુ, દિલીપસિંહ ગોહિલ તથા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાસંગિક વાત મૂકી હતી.  કાર્યક્રમ દરમિયાન પોતાના પ્રવચનમાં પ્રાથમિક શાળા શિક્ષક સંઘના હોદ્દેદારોએ શિક્ષકોના - સંઘના જ યજમાન પદે રામકથા આપવા માટે બાપુને વિનંતી કરી. બાપુએ પોતાના પ્રવચનનાં પ્રારંભે તેત્રીસ કરોડ દેવોનું પ્રતિનિધિત્વ કરતા એવોર્ડ પ્રાપ્ય 33 શિક્ષકોને વંદન કરતાં કહ્યું કે પોતે પૂર્ણતઃ અહિંસામાં માનતા હોવા છતાં, જેમ સાધુ માળા ન છોડે એમ સૈનિકોએ બંદૂક ન છોડાય. એ સંદર્ભમાં શાળાના બાળકોએ પ્રસ્તુત કરેલ નૃત્ય-ગીત માટે તેમણે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. શિક્ષકોના મનોરથ મુજબ પૂજ્ય બાપુએ કહ્યું કે - "તમારી તૈયારી હોય અને જો શિક્ષકો એમાં હિસ્સો લેવાના હોય, તેમજ શિક્ષકોની પોતાની જ વીત્તસેવા હોય તો અનુકૂળતાએ  ગાંધીનગર ખાતે કથા થશે. જ્યારે પણ આ કથા થશે, ત્યારે  શિક્ષક દિન તરીકે ઉજવાતા સર્વપલ્લી ડોક્ટર રાધાકૃષ્ણનનાં જન્મદિવસ  5મી સપ્ટેમ્બરની આસપાસનાં દિવસોમાં કથા આયોજિત થશે.

બાપુએ શિક્ષકોને ત્રણ શીલ લેવાનું કહ્યું

જ્ય બાપુએ સંત વિનોબાજીને યાદ કરતા કહ્યું કે, તેમણે 'આચાર્ય કુળ' ની સ્થાપના કરેલી. આચાર્યના તેમને ત્રણ શીલ આપેલા. નિર્ભય, નિષ્પક્ષ અને નિર્વૈર. બાપુએ જણાવ્યું કે વર્તમાન જગતમાં શિક્ષકના ત્રણ શીલ હોવા જોઈએ. એક તો- શિક્ષક નિર્વ્યસની હોવો જોઈએ.વ્યસનનો એક અર્થ સંસ્કૃતમાં દુઃખ એવો થાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ સાવ નિર્વ્યસની ન હોઈ શકે. પરંતુ શિક્ષકોએ એક જ વ્યસન રાખવું કે હંમેશા સમયસર શાળાએ પહોંચવુ.શિક્ષક સમયનો વ્યસની હોવો જોઈએ. શિક્ષકમાં બીજું વ્યસન હોવું જોઈએ - રજાના દિવસે નબળા વિદ્યાર્થીને (ટ્યુશન ફી લીધા વગર) ભણાવવાનું. અને ત્રીજું વ્યસન-પહેરવેશ સાદો અને સ્વચ્છ હોવો જોઈએ. કારણકે વસ્ત્રોનો બહુ જ પ્રભાવ હોય છે. સાગર મંથનમાંથી નીકળેલ લક્ષ્મીજી પીતાંબર વસ્ત્રધારી ભગવાન વિષ્ણુને અપાયા, જ્યારે મંથનમાંથી નીકળેલ વિષ દિગંબર એવા શિવજીને અપાયું. બાપુએ કહ્યું કે વસ્ત્રોથી વૃત્તિ બદલાય છે. શિક્ષકનું બીજું શીલ બતાવતા બાપુએ કહ્યું કે શિક્ષકની નિર્બંધી હોવો જોઈએ. અભ્યાસ પૂરો કરવાના નિયમો હોય, એ બરાબર. પણ શિક્ષક પર બીજા અકારણ બંધન લદાવા જોઈએ નહીં.
ત્રીજું શીલ શિક્ષક નિર્દંભી હોવો જોઈએ શિક્ષકમાં બહુ મોટો દંભ પોષાતો હોય, એ પછી વિદ્યાર્થીઓમાં સંક્રામિત થતો હોય છે. બાપુએ પ્રસન્નતા સાથે કહ્યું કે દેશના અન્ય પ્રાન્તોમાં શિક્ષણનું પ્રમાણ કદાચ વધારે હોય, તો પણ ત્યાં ભારતીય સંસ્કૃતિનો હ્રાસ થતો જાય છે. ગુજરાતની શાળાઓએ રાષ્ટ્રનાં સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખ્યાં છે. એટલે ગુજરાતનાં શિક્ષણની કક્ષા ઊંચી છે. બાપુએ આજના પ્રસંગે પાંચ " ક" નું સ્મરણ કર્યું. સૈનિક, કૃષક, સેવક, ખોજક અને શિક્ષક. દેશનો સૈનિક મજબૂત હોવો જોઈએ. દેશનો કૃષક સુખી હોવો જોઈએ. તેને પાકનું યોગ્ય વળતર મળતું હોવું જોઈએ. સેવક પારદર્શક હોવો જોઈએ ગામના સરપંચથી લઇને વડાપ્રધાન સુધીના કોઇ સેવકે સુખની કામના ન રાખવી જોઈએ. સુખ મેળવવા માટે બનતા સેવકથી બચવું જોઈએ. દેશમાં ખોજક - વૈજ્ઞાનિક શોધખોળ અને સંશોધન કરનાર- મહાન હોવો જોઈએ. આ ચારે ય ને જે તૈયાર કરે છે, તે શિક્ષક શ્રેષ્ઠ હોવો જોઈએ.

આ પણ વાંચો : ગુજરાતીઓ સાવધાન! રાજ્યમાં પાંચ દિવસ રહેશે ઠંડીનો ચમકારોબાપુએ કવિ ઉમાશંકરને યાદ કર્યા

કવિ ઉમાશંકર જોશીને યાદ કરતાં બાપુએ કહ્યું કે, હૈયું, મસ્તક ને હાથ- એ ત્રણેનો પૂરેપૂરો ઉપયોગ કરીને શિક્ષક ભારતના ભવિષ્યને ઘડી શકે છે. સાચો કૃષક ધોરિયામાં જતાં પાણીને પાવડો મારીને, જરૂર હોય એ ક્યારામાં વાળે, એ રીતે એક એક શાળા એક ક્યારો છે. શિક્ષકે ક્યારામાં પાણી વાળીને ભવિષ્યની પેઢી રૂપી મબલખ પાક આવવાનો છે. "ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક ને હાથ..!
બહુ દઈ દીધું નાથ, હવે ત્રીજું નથી જોઈતું..! " મહુવા તાલુકા સંઘ દ્વારા આયોજિત આ ઉપક્રમ માં આર. સી. મકવાણા,ડે કલેક્ટર, માયાભાઈ આહીર વ. હાજર રહ્યાં હતાં. અવોર્ડ વિતરણ કાર્યક્રમ નું સંચાલન ભરતભાઈ પંડયાએ જ્યારે આભાર વિધિ ભગીરથ ગિરિ ગોસ્વામી એ કરી હતી. ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા સૌ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ ના સંકલન માં ભાવનગર જિલ્લા પ્રા શિક્ષક સંઘના મહામંત્રી ગજુંભા વાળા, મહુવા તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ ગણપતભાઈ પરમાર, મહામંત્રી મનુભાઈ શિયાળ તેમજ શિક્ષકો રહ્યા હતા.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर