ન્યૂઝ18ગુજરાતીઃ સાહેબ, મેં મારા છોકરાને મારી નાખ્યા છે, પોલીસ મોકલો.. આ શબ્દો પોતાના ત્રણ પુત્રોની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ સુખદેવના છે. તેણે ત્રણે પુત્રોના ગાળા કાપી નાખ્યા બાદ પોતે કંટ્રોલરૂમમાં ફોન કરીને ઘટનાની જાણ થઇ હતી. પોલીસ અધિકારીઓ જ્યારે પોલીસ લાઇન પહોંચ્યા ત્યારે ઘરના દરવાજા પાસે હત્યારો સુખદેવ એકલો બેઠો હતો. તેના ચહેરા ઉપર સંતાનોને મારી નાખ્યાનો પસ્તાવો કે અન્ય ભાવ ન્હોતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં આવેલી પોલીસ લાઇનના બી 17 નંબરમાં સુખદેવ શિયાળ પોતાના ત્રણ પુત્રો અને પત્ની સાથે રહે છે. સુખદેવ અને તેની પત્ની જીજ્ઞા વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. જોકે, આજે થયેલા ઝઘડાનું પરિણામ ત્રણ પુત્રોએ વેઠવું પડ્યું હતું. ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ અને પત્ની જીજ્ઞા વચ્ચે 15 દિવસ પહેલા પણ ઝઘડો થયો હતો.
રવિવારે એસપીની ઓફિસમાં રજા હોવાથી સુખદેવને પણ આજે રજા હતી. સાથે સાથે રવિવારના કારણે પણ પુત્રો પણ ઘરે હતા. આ સમયે સુખદેવ અને જીજ્ઞા વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા સુખદેવે પહેલા જીજ્ઞાને ધક્કો મારીને અંદરના રૂમમાં પૂરી દીધી હતી અને રમકડા રમતા 8 વર્ષીય ખુશાલ, 5 વર્ષીય ઉદ્ધવ અને 3 વર્ષીય મનમીતને સુવડાવીને તીક્ષ્ણ હથિયાર વડે તેમના ગળા કાપી નાખ્યા હતા. અને જાતે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.
આ પણ વાંચોઃ-ભાવનગરઃ પત્નીને રૂમમાં પૂરી કોન્સ્ટેબલે ત્રણ બાળકોની ગળુ કાપી હત્યા કરી
ઘટનાની જાણ થતાં જ રેન્જ આઇજીપી અશોક યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ જ્યારે ઘરમાં આવી ત્યારે રૂમની અંદરથી અવાજ આવતો હતો. રૂમ ખોલ્યો તો પત્ની જીજ્ઞા બહાર આવી હતી. ત્રણ પુત્રોની લાશો જોઇને જીજ્ઞના ફસડાઈને જમીન પર ઢળી પડી હતી. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરતા પડોશીઓએ પણ સુખદેવ અને જીજ્ઞા વચ્ચે ઝઘડાની વાતને સમર્થન આપ્યું હતું.