ભાજપને સત્તાપરથી દૂર કરીએ તો જ પ્રજા કલ્યાણ થાય: ડો. કળસરિયા

Vijaysinh Parmar | News18 Gujarati
Updated: July 12, 2018, 3:31 PM IST
ભાજપને સત્તાપરથી દૂર કરીએ તો જ પ્રજા કલ્યાણ થાય: ડો. કળસરિયા
કનુભાઈ કળસરિયા (ફાઇલ તસવીર)
Vijaysinh Parmar | News18 Gujarati
Updated: July 12, 2018, 3:31 PM IST
વિજયસિંહ પરમાર

ભાવનગર જિલ્લાના મહુવા વિધાનસભા બેઠક પર 1998થી સતત ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહેલા ડો. કનુભાઇ કળસરિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મહુવાના સમઢિયાળા બંધારા ખાતેની જમીન નિરમાના સિમેન્ટ પ્લાન્ટ માટે સરકારે ફાળવતા 2008માં લોકોએ તેનો વિરોધ કર્યો અને ડો. કળસરિયાએ આ જન આંદોલનનું નેતૃત્વ કર્યુ અને ભાજપની સરકાર સામે જ અંહિસક આંદોલન શરૂ કર્યું. છેલ્લા ત્રણ દાયકામાં ગુજરાતમાં થયેલુ આ સૌથી મોટુ જનઆંદોલન હતુ. આ સમયે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. આ આંદોલન પછી ડો. કનુભાઇએ ભાજપ સરકારની નીતિઓ સામે લડત ચાલુ રાખી. 2014માં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા. પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક સબળ ત્રીજા મોરચા તરીકે ઉભરી આવવામાં નિષ્ફળ રહી. હવે, કનુભાઇ કોંગ્રેસમાં જોડાયા. ડો. કનુભાઇ કળસરિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે કરેલી વાતચીતના અંશો:

પ્રશ્ન: આમ આદમી પાર્ટી છોડી તમે કેમ કોંગ્રેસ પક્ષમાં જોડાયા?

ડો. કનુભાઇ: નિરમા સામેના આંદોલન સમયે જોવા મળ્યુ કે, ભાજપની સરકાર પ્રજાનું સાંભળતી નથી અને ભાજપને સત્તાનો મદ ચડ્યો છે. 2008થી લઇ અત્યાર સુધી અન્યાય સામે અમારી લડત શરૂ જ છે. આંદોલન સમયે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળતો પણ લોકોની વેદના સમજાવવાની કોશિષ કરતો પણ તેમણે આ સમજવાની કોશિષ જ ન કરી. ધીરે-ધીરે એ જોયુ કે, ભાજપને સત્તાનો મદ ચડ્યો છે અને આ મદ ઉતારવો હોય તો તેને સત્તા પરથી દૂર કરવો પડે. એટલા માટે સબળ વિપક્ષમાં જોડાવુ રહ્યુ અને કોંગ્રેસ એ સબળ પક્ષ છે. એટલા માટે મેં કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય લીધો.

રાહુલ ગાંધી સાથે મુલાકાતને લઈને ડો. કનુભાઈ કળસરિયાએ કહ્યું...
રાહુલ ગાંધીએ મને મળતા જ તેમણે આંનદની લાગણી વ્યકત કરી અને અગાઉની અમારી મુલાકાતને યાદ કરી. સ્વ. સનત મહેતા સાથે અગાઉ રાહુલ ગાંધીને મળવાનું થયેલુ એ તેમને યાદ હતુ. તેમણે રાજી થઇને મને કહ્યું, કે “તમારા જેવા વ્યકિતઓની કોંગ્રેસને જરૂર છે અને અમે તમને આવકારીએ છીએ. હજુ ઘણા લોકો કોંગ્રસમાં જોડાશે.” મેં પણ રાહુલ ગાંધીને કહ્યું કે, નિરમા આંદોલનમાં કોંગ્રેસે મદદ કરેલી એનું રુણ ચુકવવા આવ્યો છું.


પ્રશ્ન: કોંગ્રેસમાં જોડાયા પછી લોક આંદોલન શરૂ રહેશે?

ડો. કનુભાઇ: મારુ મુખ્યત્વે કામ મહુવા અને આસપાસના વિસ્તારમાં રહ્યુ છે અને સ્થાનિક કંપનીઓ દ્વારા લોકોને જે પરેશાની થાય છે તે માટે લડત ચાલુ જ રહેશે. હું હંમેશા ભાજપ સરકારની નીતિઓની ટીકા કરુ છુ પણ તેની મર્યાદામાં રહીને કરુ છુ. મારો એ સ્વભાવ નથી કે, અયોગ્ય ભાષામાં બોલીને વિરોધ કરુ. કોગ્રેસ પક્ષમાં જોડાયા પછી પણ હું ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી વિશે ક્યારેય અશોભનિય ભાષામાં બોલીશ નહી. જાહેર જીવનમાં વિરોધ કરવાની એક રીત હોય છે.
Loading...

ખેડૂતો માટે આંદોલન કરી રહેલા કનુભાઈ (ફાઇલ તસવીર)


પ્રશ્ન: કોંગ્રેસે તમને ટિકીટની કે હોદ્દાની ઓફર કરી છે?

ડો. કનુભાઇ: ના. હું કોંગ્રેસ પક્ષમાં ચૂંટણીની ટિકીટ કે પક્ષમાં કોઇ હોદ્દાની આશાએ આવ્યો નથી. આ બધી જ બાબતો પક્ષ નક્કી કરશે અને પક્ષ જે નિર્ણય લે તે મુજબ આગળ વધીશ. ગુજરાતમાં ખેડૂતો સહિત વિવિધ વર્ગના લોકો અને સમસ્યાઓથી પિડાઇ રહ્યા છે. હું મારા રીતે અન્યાય સામે લડવાનો પ્રયાસ કરુ છુ અને લોકોએ મારા પ્રત્યે ખુબ સદભાવના દર્શાવી છે. હવે પક્ષે રણનીતિ ઘડી હું તેમને કઇ રીતે ઉપયોગી થઇ શકુ તે નક્કી કરે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...