છરી વડે હુમલો કરતા વિદ્યાર્થીને ગભિર ઈજાઓ પહોંચી હતી
જૂની અદાવતમાં ઉશ્કેરાઇને ધોરણ 12ના વિદ્યાર્થીએ પોતાની સાથે ભણતા અન્ય કિશોર પર છરી વડે હુમલો કરતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ તેને આઇ.સી.યુ.માં દાખલ કરાયો હતો.
Dhairya Gajara, Kutch: કચ્છના અંજાર (Anjar Kutch) મધ્યે નાની એવી બાબતમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરતા (Kutch Students Fight) જિલ્લાભરમાં ચકચાર મચી ગઇ હતી. જૂની અદાવતમાં કિશોરે પોતાના સહ વિદ્યાર્થી પર શાળામાં જ છરી વડે હુમલો કરતા 17 વર્ષીય કિશોર ઇજાગ્રસ્ત થયો હતો અને હોસ્પિટલ ખાતે (Bhuj GK General Hospital) ખસેડવામાં આવ્યા તેને આઇ.સી.યુ. મધ્યે દાખલ કરવામાં આવ્યો હતો.
સોમવારે અંજારની એક શાળા ખાતે ધોરણ 12 કોમર્સના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝગડામાં એક કિશોર પોતાના સહ વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરતા શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે થતાં નાના ઝગડામાં મોટો વળાંક આવ્યો હતો. કિશોરને પીઠ પર છરી મારતા તેને ઊંડી ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાબડતોબ અંજાર મધ્યે જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઇજા પામનાર કિશોરના વાલીઓએ વર્ણવેલ હકીકત મુજબ ગત અઠવાડિયે તેમના પુત્ર દ્વારા શાળામાં ઝગડતા બે વિદ્યાર્થીઓને છોડાવતા તેમાંથી એક વિદ્યાર્થીએ તેને શાળામાં ધમકી આપી હતી. તો ત્યારબાદ કિશોરને ઈન્સ્ટાગ્રામ પર તે જ વિદ્યાર્થીએ મેસેજ કરી \"સોમવારે તને જોઈ લઈશ\" કહી ધમકી આપવામાં આવી હતી.
\"સોમવારે શાળામાં રીસેસ પૂરી થયા બાદ જ્યારે અમારો પુત્ર પોતાના વર્ગ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી તેના સહ વિદ્યાર્થીએ આવીને પીઠ પર છરી વડે હુમલો કર્યો હતો. છરીના કારણે ગંભીર ઈજાઓ પહોંચતા અમારા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવો પાડયો હતો,\" ઇજા પામનાર કિશોરના માતાએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગંભીર ઈજાઓના કારણે અંજાર ખાતેથી કિશોરને ભુજ જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં કિશોરને આઇ.સી.યુ. મધ્યે દાખલ કરાયો હતો. પોલીસે હુમલો કરનાર કિશોર વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી તેની ધરપકડ પણ કરી છે.