ગીર પૂર્વમાંથી વધુ સાત સિંહોને રેસ્ક્યૂ કરાયાં: રિપોર્ટ આવ્યો, 'કેનાઇન ડિસ્ટેમ્પર' નથી

News18 Gujarati
Updated: September 26, 2018, 2:30 PM IST
ગીર પૂર્વમાંથી વધુ સાત સિંહોને રેસ્ક્યૂ કરાયાં: રિપોર્ટ આવ્યો, 'કેનાઇન ડિસ્ટેમ્પર' નથી
ફાઈલ ફોટો

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણીયા અને જસાધાર ફોરેસ્ટ રેન્જમાં કુલ 14 સિંહોનાં મોત થયા છે.

  • Share this:
ગીર અભ્યારણ્યમાં આવેલા ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં વધુ એક સિંહણનું મોત થતા ગીરમાં સિંહોના મોતનો આંકડો 14 પર પહોંચ્યો છે. અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્ય પ્રાણી) અક્ષય કુમાર સક્સેનાની યાદીમાં જણાવ્યા અનુસાર, અગાઉ મૃત્યુ પામેલા બે સિંહબાળના સેમ્પલની જૂનાગઢની વેટરનરી કોલેજ ખાતે મોલીક્યુલર વાયરોલોજીની પદ્ધતિથી ચકાસણી કરાવતા તેમા સીડી (કેનાઇન ડિસ્ટેમ્પર) જોવો મળેલો નથી. આ પ્રકારનો રિપોર્ટ આવ્યો છે”.

અક્ષય કુમાર સક્સેનાની આ યાદીમાં જણાવ્યુ છે કે, બુધવાર બપોર સુધીમાં 1740 કિ.મી વિસ્તારની ગીર અને ગીરની આસપાસ ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન, 460 સિંહો જોવા મળ્યા છે. જે પૈકી સાત સિંહોને સામાન્ય ઇજા જોવા મળેલી છે. જ્યારે બાકીના 453 સિંહો સારી અને તંદુરસ્ત હાલતમાં છે. આ સિવાય, દલખાણીયા રેન્જની સરસીયા વીડીના જે 14 સિંહો મૃત્યુ પામેલા હતા ત્યાંથી 3 સિંહ, 3 સિંહણ અને 1 સિંહબાળ, એમ સિંહોને રેસ્ક્યુ કરાયા છે અને આ રેસ્ક્યુ કરાયેલા તમામ સાત સિંહો તંદુરસ્ત છે. આ તમામ સિંહોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. ભાવનગરના રેવન્યુ વિસ્તારમાંથી સામાન્ય ઇજા ધરાવતા એક સિંહને રેસક્યુ કરી, રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે”.

12 સપ્ટેમ્બરથી લઇ 25 સપ્ટેમ્બર સુંધીની સમયગાળામાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણીયા અને જસાધાર ફોરેસ્ટ રેન્જમાં કુલ 14 સિંહોનાં મોત થયા છે. જેમાં 2 સિંહો જસાધાર રેન્જમાં મૃત્યુ પામ્યા છે જ્યારે 12 સિંહો દલખાણીયા રેન્જમાં મૃત્યુ પામ્યા છે.

વન વિભાગ દ્વારા કુલ 64 ટીમો બનાવવામાં આવી છે અને સમગ્ર ગીર વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે.

આધારભૂત સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, સિંહોના મૃત્યુનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે. વન વિભાગનો દાવો છે કે, આ તમામ સિંહોના મોત ઇન્ફાઇટ, ઇન્ફાઇટીંગમાં અને ઇન્ફાઇટીંગના કારણે થયેલી ઇજાઓ અને ત્યારબાદ ઇજાઓને કારણે લાગેલા ઇન્ફેક્શનને કારણે થયાં છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને થોડા મહિનાઓ પહેલા ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સુઓમોટો પિટીશન દાખલ કરી હતી.
Loading...

છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.
First published: September 26, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...