બિટકોઈન કૌભાંડ: કોટડિયાએ CIDને લખ્યો પત્ર, હાજર થવા માટે માગ્યો સમય

 • Share this:
  બિટકોઈન કૌભાંડ મામલે નલિન કોટડિયાએ CIDને પત્ર લખ્યો છે. અને CID સમક્ષ હાજર થવા માટેનો સમય માગ્યો છે. મહત્વનું છે કે હાલ તો નલિન કોટડિયા ભુગર્ભમાં ઉતરી ગયા છે.

  નલિન કોટડિયાને CIDને પત્ર લખીને 12 મે સુધીની મુદ્દત માગી છે. આ સાથે જ તેમણે શૈલેષ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપી છે. પત્રમાં તેને લખ્યું છે કે તેઓ બહાર ગામ હોવાથી તેમને 12 મે સુધીની મુદ્દત આપવામાં આવે. સાથે જ લખ્યું છે કે, 'હું 11 અથવા 12 મેના રોજ ગાંધીનગર ઓફિસમાં હાજર થઈશ', 'મારી સામે ગુનો દાખલ કરતા પહેલા મને સાંભળવામાં આવે', 'હાજર ન થવું તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવી'.

  નલિન કોટડિયાએ CIDને લખેલો પત્ર..
  'સવિનય સાથે જણાવવાનું કે, 12 કરોડના બિટકોઈન કૌભાંડ મામલે મારા પર લગાવેલા આરોપ બાબતે મને હાજર રહેવાની વિગત મીડિયા દ્વારા મળી હતી. મારા અંગત કામથી હું રાજ્યની બહાર છું. હું તારીખ 11/5/2018ના રોજ પરત આવીશ, જેથી મને હાજર રહેવા માટે મુદ્દત આપવા વિનંતી. તારીખ 11 અથવા 12ના રોજ ગાંધીનગર ખાતે આપની કચેરીએ હું જાતે ઉપસ્થિત રહીશ અને જવાબ આપીશ, કારણ કે આ કેસ સાથે મારે કોઈ સંબંધ નથી. મારી પર ગુનો દાખલ કરતા પહેલા મને સાંભળવો જરૂરી છે, મારે હાજર ન રહેવાનું કોઈ કારણ નથી.'- નલીન કોટડિયા  ઉલ્લેખનિય છે કે બિટકોઈન કૌભાંડ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની સંડોવણીને લઈ પૂરજોશમાં તપાસ ચાલી રહી છે. આ કેસને લઈને કોટડીયાની શોધખોળ પણ ચાલી રહી છે. જેને લઈને સીઆઇડી ક્રાઇમે વિવિધ સ્થળોએ દરોડા કર્યા હતા. તેમજ સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં તપાસ આદરી છે. તો બીજી તરફ અમરેલીના સસ્પેન્ડેડ એસ.પી. જગદીશ પટેલના વહીવટદાર કોન્સ્ટેબલની તપાસ માટે જૂનાગઢ તથા અમરેલીમાં પણ તપાસ ચાલી રહી છે.

  Published by:Nisha Kachhadiya
  First published: