ન્યૂઝ18 ગુજરાતી : વર્ષ 2007માં લાઠીની બેઠક પરથી બીજેપીના ધારાસભ્ય રહી ચુકેલા અને બાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હનુભાઈ ધોરાજીયાએ આજે ભગવો ખેસ પહેરી લીધો છે. બીજેપીના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આજે તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. હનુભાઈ અમરેલીની લાઠી વિધાનસભા બેઠક પરથી વર્ષ 2007થી 2012 દરમિયાન ધારાસભ્ય રહી ચુક્યા છે. બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને વર્ષ 2014માં લાઠી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર પેટા-ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાવકુ ઉંધાડ સામે તેમનો પરાજય થયો હતો. હનુભાઈ પાટીદાર અનામત આંદોલન વખતે ખૂબ સક્રિય હતા.
ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું?
ભાજપમાં જોડાયા બાદ હનુભાઈ ઘોરજીયાએ જણાવ્યું હતું કે, "હું કોઈ પણ લાલચ વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં જોડાયો છું. હું નિષ્ઠાથી ભાજપનું કામ કરીશ અને આગામી ચૂંટણીમાં અમરેલી બેઠક જીતીને બતાવીશ."
હાર્દિક કોંગ્રેસનું કામ જ કરી રહ્યો હતો
તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા પાસ નેતા હાર્દિક પટેલ અંગે પ્રતિક્રિયા આપતા હનુભાઈએ કહ્યુ કે, "પાટીદાર અનામત આંદોલન વખતે હું લાગણીથી હાર્દિક પટેલ સાથે જોડાયેલો હતો. હાર્દિકને અમદાવાદમાં રહેવા માટે મેં મકાન પણ અપાવ્યું હતું. પરંતુ જ્યારથી મને લાગ્યું કે હાર્દિક કોંગ્રેસનું કામ કરી રહ્યો છે ત્યારથી મેં તેને પડતો મૂક્યો હતો. ભોળા પાટીદારોને છેતરવા માટે હાર્દિકે અનામતનું નાટક રચ્યું હતું."
હનુભાઈ ધોરાજીયા વિશે વાત કરવામાં આવે તો તેઓ લાઠીને હાથીગઢ ગામના વતની છે. હાલ તેઓ સુરત ખાતે રહે છે. તેઓ સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે, તેમજ સેવાકિય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. લોકો તેમના હનુ ભાભાના હુલામણા નામથી ઓળખે છે.
હનુ ભાભા તેમની આસપાસના ગામમાં રહેતા ગરીબ લોકોને મદદ કરતા આવ્યા છે. તેમની વ્યક્તિગત છાપ ખૂબ સારી છે. ગરીબ, નિરાધર કે પછી વિધવા બહેનોને તેઓ રાશન સહિતની વસ્તુઓ પુરી પાડે છે. 2007થી 2012 દરમિયાન ધારાસભ્ય રહ્યા બાદ ભાજપે તેમને ફરીથી ટિકિટ ન આપતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર