શાબાશ રૂપાણી! સિંહણ પર હુમલો કરનારનું દિલીપ સંઘાણી સન્માન કરશે

News18 Gujarati
Updated: November 6, 2018, 3:03 PM IST
શાબાશ રૂપાણી! સિંહણ પર હુમલો કરનારનું દિલીપ સંઘાણી સન્માન કરશે
દિલીપ સંઘાણી (ફાઇલ તસવીર)

ભાજપનાં નેતા દિલીપ સંઘાણી આ યુવકને મળવા માટે જેલમાં પહોંચી ગયા અને સિંહણ પર હુમલો કરવા બદલ આરોપીને શાબાશી પણ આપી.

  • Share this:
વિજયસિંહ પરમાર

છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાત સરકારની સિંહ સંરક્ષણની નીતિ એવી રહી છે કે, ‘ચોરને કહે જા અને ધણીને કહે જાગતો રહેજે’. ગુજરાતમાં વન્યપ્રાણીઓની માઠી બેઠી છે અને સરકાર મૂકપ્રેક્ષક બનીને જોઇ રહી છે.

એક તરફ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એમ કહે છે કે, ગીરમાં સિંહ સલામત છે અને સિંહોને બીજે ક્યાંય મોકલવાની જરૂર નથી અને બીજી તરફ તેમની જ પાર્ટીનાં કદાવર નેતા સિંહ પર કુહાડીથી હુમલો કરનાર આરોપીને જાહેરમાં સન્માન કરવાની વાત કરે છે અને વન્યપ્રાણીઓ પર હુમલા કરવા માટે લોકોને ઉશ્કેરે છે.

દિવસે અને દિવસે એ વાતની પ્રતિતી થતી જાય છે કે, સિંહો પર જોખમ વધી રહ્યું છે અને સરકાર પાસે કોઇ લાંબા ગાળીની નીતિ નથી. ભારતીય જનતા પાર્ટીનાં કદાવર નેતા, પૂર્વ કેબિનેટ મંત્રીવ દિલીપ સંઘાણીએ એક નિવેદન આપીને આ વાતનો પુરાવો આપ્યો છે.

વાત એમ છે કે, થોડા દિવસો પહેલા ગીર-પૂર્વ વન વિસ્તારમાં આવેલી તુલસીશ્યામ રેન્જમાં સિંહણે એક બકરીનું મારણ કરતા, આ બકરીનાં માલિકે સિંહણ પર કુહાડીથી હુમલો કર્યો હતો. સિંહણ પર હુમલા કરવા બદલ વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ની વિવિધ જોગવાઓ હેઠળ યુવકની ધરપકડ કરાઇ હતી અને હાલ તે જેલમાં છે.

ભાજપનાં નેતા દિલીપ સંઘાણી આ યુવકને મળવા માટે જેલમાં પહોંચી ગયા અને સિંહણ પર હુમલો કરવા બદલ આરોપીને શાબાશી પણ આપી અને એવું નિવદેન પણ આપ્યું કે, સરકારે કાયદો બદલવો જોઇએ અને વન્યપ્રાણીઓ જ્યારે લોકો પર હુમલો કરે, ત્યારે વન્યપ્રાણીઓને મારવાની છૂટ આપવી જોઇએ. ભૂતકાળમાં સિંહ સામે લડનારાનાં સન્માનો થતા હતા. આથી, અમે પણ આ યુવકનું ભવિષ્યમાં સન્માન કરીશું.”આ પણ વાંચોઃ ગીરમાં સિંહદર્શન માટે પહેલીવાર મહિલાઓ બની ટુરિસ્ટ ગાઇડ

દિલીપ સંઘાણી કેટલાય વર્ષોથી વન્યપ્રાણી વિરોધી નિવેદનો આપતા રહ્યા છે અને એમ કહે છે કે, માણસ જીવ બચાવવા માટે સિંહ કે અન્ય વન્યપ્રાણીને મારી નાંખે તો એમા કાંઇ ખોટુ નથી. સરકારે આની મંજુરી આપવી જોઇએ.”

હજુ થોડા સમય પહેલા જ, ગીર અભ્યારણ્યની દલખાણીયા રેન્જમાં 23 સિંહોનાં એક સાથે મોત થયા હતા અને સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ પછી 31 સિંહોને સેમરડીમાંથી ઉઠાવી લઇ જેલમાં પુરી દીધા છે. એક સાથે સિંહોનાં મોત પાછળ સરકારે એવું કારણ આપ્યું છે કે, કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી મોત થયા હતા.

એક સાથે એક જ જગ્યાએ, આટલા બધા સિંહોનાં મોત બાદ સરકારે ગેરકાયદેસર થતા લાયન શો બંધ કરાવવા માટે પ્રક્રિયા હાથ ધરી અને સાસણની આસપાસ આવેલા ગેરકાયદેસર હોટેલો અને ગેસ્ટહાઉસોને સીલ મારી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર-પૂર્વ વન વિભાગ હેઠળનાં વિસ્તારો જેવા કે ધારી, અમરેલી, ખાંભા, જસાધાર, સાવરકુંડલા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યાં વન્યપ્રાણીઓ અને માણસો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે, 300થી વધારે સિંહો ગીર અભ્યારણ્યની બહાર રેવન્યુ વિસ્તારમાં વિચરે છે. આ તમામ સિંહો પર એક-યા બીજા પ્રકારે જોખમ રહેલું છે.

ગીર અભ્યારણમાં ફરજ બજાવતા અધિકારીને સિંહ સંરક્ષણમાં સરકાર મદદ કરતી નથી એ વાત હવે જગ જાહેર છે અને બીજી તરફ સ્થાનિક નેતાઓ વન્યપ્રાણી વિરોધી ઉશ્કેરણી જનક ભાષણો આપે તેમની સામે પગલા ભરતી નથી.

વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)માં એવી જોગવાઇઓ છે કે, કોઇ વ્યક્તિ વન્ય પ્રાણીઓને મારવા માટે ઉશ્કેરણી કરે તો તેની સામે ગુનો નોંધાઇ શકે છે.

વિજય રૂપાણી સરકાર જો ખરેખર વન્યપ્રાણીઓ અને સિંહોનું સંરક્ષણ કરવા માંગતી હોય, તો સરકારે સિંહો સામે લોકોને ઉશ્કેરવા બદલ દિલીપ સંઘાણી સામે ગુનો દાખલ કરવો જોઇએ.

જેથી એક દાખલો બેસી શકે અને લોકોને પણ એ આશ્વાસન મળે કે, સરકાર સિંહોનાં સંરક્ષણ માટે કટીબદ્ધ છે અને કોઇની સામે ઝૂકશે નહીં. પણ સરકાર આવું નહી કરે અને દિલીપ સંઘાણીનાં નિવેદનું ખંડન નહીં કરે, તો વન્યપ્રાણી સરંક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકો માટે સરકારની નીતિ વધુ ખુલ્લી પડશે અને એ વાતને જોર મળશે, કે સરકારની સિંહ સરંક્ષણની નીતિ નબળી છે, બેવડા ધોરણો અપનાવે છે.

દિલીપ સંઘાણી જ્યારે કાયદા પ્રધાન હતા ત્યારે પણ તેમણે જંગલનાં કાયદાઓનો ભંગ કરેલો છે. ગીર અભ્યારણ્યમાં મુલાકાત દરમિયાન તેઓ નીચે ઉતરી સિંહો સાથે ફોટા પડાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર મુક્યા હતા. કાયદાકીય રીતે જંગલમાં સફારી દરમિયાન જિપ્સીમાંથી નીચે ઉતરવાની મનાઇ છે.

શું વન વિભાગ આ મામલે દિલીપ સંઘાણી સામે કોઇ કાર્યવાહી કરશે કે કેમ ? એ જાણવા માટે ન્યૂઝ18 ગુજરાતીએ અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી) અક્ષયકુમાર સક્સેનાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે, “દિલીપ સંઘાણીએ ખરેખર શું નિવેદન આપ્યુ છે તે વિગતો હાલ તેમની પાસે નથી. તેમણે શું નિવેદન આપ્યુ છે અને કાયદાનાં સંદર્ભમાં એ નિવેદનને કઇ રીતે આગળ વધી શકાય એ જોવું પડે.”
First published: November 6, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading