Home /News /kutchh-saurastra /અમરેલીના જવાનનું અકસ્માતમાં મોત, પુલવામા હુમલામાં શહીદ થયાની તસવીર વાયરલ

અમરેલીના જવાનનું અકસ્માતમાં મોત, પુલવામા હુમલામાં શહીદ થયાની તસવીર વાયરલ

    હાલ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારત માતાના 44 પુત્રો શહીદ થયા છે. જેને દરેક રાજ્યમાં શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર અમરેલીના એક જવાનનું આ હુમલામાં મૃત્યુ થયું હોવાની વાત ફરતી થઇ હતી, જો કે હકીકતમાં અમરેલીના જવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયુ હોવાનું સામે આવ્યું છે.

    સોશિયલ મીડિયા પર તસવીર થઇ વાયરલ

    પ્રાપ્ત વિગત પ્રમાણે પુલવામામાં થયેલા આતંકી હુમલાને કારણે દરેક દેશવાસીઓમાં રોષની લાગણીની સાથે શહીદ જવાનો માટે શોકની લાગણી છવાઇ, લોકો સોશિયલ મીડિયા પર શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં છે, જો સોશિયલ મીડિયામાં એક સૈનિકની તસવીર ખોટી માહિતી સાથે વાયરલ થઇ રહી છે, આ તસવીરમાં દેખાતો જવાન પુલવામા આતંકી હુમલામાં શહીદ થયાનું કહેવામાં આવી રહ્યું છે, જો કે જવાનનું મહુવા નજીક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું.



    કોણ છે આ જવાન ?

    પ્રાપ્ત વિગત પ્રમાણે સોશિયલ મીડિયા પર ફરતી થયેલી તસવીર રાજુલા તાલુકાના વિસળિયાના વતની અને ભારતીય સૈનામાં ફરજ બજાવતા જવાનની છે. રાજુલા તાલુકાના વિસળિયા ગામના રહેવાસી પરેશભાઈ વિરાભાઈ બાંભણિયા છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી ભારતીય સૈનામા ફરજ બજાવતા હતા રજાઓમાં વતન આવેલા પરેશભાઈને 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે મહુવા તાલુકાના રોહિસા પાટીયા નજીક ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં પરેશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં એમ્બ્યુલન્સ મારફતે તેઓને મહુવા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પરેશભાઇના અવસાનથી રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં કોળી સમાજમાં શોકનું મોજું છવાઈ ગયું હતું.
    First published:

    विज्ञापन