અમરેલી : ધોળેદિવસે ફાયરિંગનો CCTV Video, બિપીન ટેલરમાં બૂલેટ પર આવેલા શખ્સોએ ગોળી ચલાવી

અમરેલી ફાયરિંગની ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

Amreli Firing CCTV Video : અમરેલીમાં લુખ્ખા તત્વો બેફામ, શહેરમાં આવેલ રામજી મંદિર નજીક આવેલ દરજીની દુકાને બની ઘટના, દુકાનદારને પહોંચી ઈજા

 • Share this:
  રાજન ગઢિયા, અમરેલી : અમરેલી શહેરમાં (Amreli) જાણે કે લુખ્ખા તત્વોને પોલીસનો (Police) ખોફ ન રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અમરેલીમાં આજે ધોળે દિવસે ફિલ્મોના સીનની જેમ એક દુકાન પર ફાયરિંગની (Firing) ઘટના ઘટી હતી. શહેરમાં આવેલા રામજી મંદિર નજીક બજારમાં આવેલી ટેલરની (Bipin Tailor) દુકાનમાં ફાયરિંગ થયું હતું. ઘટનાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

  બનાવની વિગતો એવી છે કે અમરેલી શહેરમાં આવેલી બિપીન ટેલર નામની દુકાનમાં આજે ફાયરિંગની ઘટના ઘટી હતી. ઘટનામાં એક વ્યક્તિને ગોળી લાગતા તે ઈજાગ્રસ્ત થઈ હતી અને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા અમરેલી શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને દુકાનના સીસીટીવી ચકાસ્યા હતા.

  આ પણ વાંચો : સુરત : ફિલ્મોના DON જેવો કુખ્યાત લાલુ જાલિમ UPથી પકડાયો, GUJCTOCના કેસમાં હતો ફરાર

  પોલીસની પ્રાથમિક તપાસમાં જ ફાયરિંગની ઘટના સીસીટીવી વીડિયોમાં લાઇવ કેદ થઈ હતી જેના આધારે પોલીસે બૂલેટ પર આવેલા ત્રણ શખ્સોની તપાસ શરૂ કરી હતી. બપોરેના સમયે આ શખ્સોએ બિપીન ટેલરમાં ફાયરિંગ કરી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડી હતી.

  ઈજાગ્રસ્ત દુકાનદાર પોતે, પોલીસે ધીંગાણાની તપાસ શરૂ કરી

  અમરેલી શહેરમાં લુખ્ખા તત્વોને જાણે કે પોલીસનો ખોફ ન રહ્યો હોય તેમ બિપીન ટેલરના દુકાનદાર પર પહેલાં ફાયરિંગ કર્યુ અને બાદમાં તેને માર પણ માર્યો હતો. બજારમાં ઉપસ્થિત સ્થાનિકોના મતે બૂલે્ટ પર આવેલા શખ્સો અને વેપારી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જોકે, ઘટનાનું કારણ અંગત અદાવત, જૂનો ઝઘડો કે પછી પૈસાની લેતદેતી વગેરે શું છે તે જાણવાનો પોલીસે પ્રયાસ શરૂ કર્યો છે.  જોકે, હુમલામાં ઘવાયેલા દુકાનદારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના નિવેદન અને ત્યારબાદ ફરિયાદની તજવીજ થનાર છે. આ ઘટનાના કારણે સમગ્ર અમરેલીમાં ફરી વેપારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.

  આ પણ વાંચો :સુરત : ડુમસના દરિયામાં તરતી કારનો Video Viral, પોલીસે ઉકેલ્યુ કુતુહૂલ જગાવતી ઘટનાનું કારણ

  થોડા દિવસ પહેલાં પેટ્રોલ પમ્પના માલિકને ફાયરિંગ કરી મારી નાખવાની ધમકી મળી હતી

  ઉલ્લેખનીય છે કે અમરેલી શહેરમાં થોડા દિવસ પહેલાં જ ફાયરિંગની ધમકીનો એક ઓડિયો અને કિસ્સો સમગ્ર રાજ્યમાં ગાજ્યો હતો. છત્રપાલસિંહ વાળા નામના વ્યક્તિએ એક પેટ્રોલ પમ્પ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની ખંડણી માંગી અને તેને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે પેટ્રોલ પમ્પ સંચાલકની ફરિયાદના આધારે અમરેલી પોલીસે છત્રપાલને ઝડપી પાડ્યો હતો ત્યારે તેના થોડા દિવસો બાદ જ અજાણ્યા શખ્સોએ એક ટેલરની દુકાનમાં ફાયરિંગ કરતા અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર હોવાનું ફલિત થઈ રહ્યું છે.
  Published by:Jay Mishra
  First published: