અમરેલી ખેડૂત હત્યા મામલો ઉગ્ર બનતા, સાંસદ નારણ કાછડીયા ખેડૂતના પરિવારને સાંત્વના આપવા અને સમજાવવા માટે હોસ્પિટલે પહોંચ્યા છે. મૃતક ખેડૂતના પરિવારે હત્યા બાદ હત્યારા ન પકડાય ત્યાં સુધી શબ ન સ્વીકારવાનો
નિર્ણય લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈ કાલે અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામના બે ખેડૂત ભાઈઓ પર 8થી 10 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં એક ખેડૂતનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ મામલે મૃતક ખેડૂતના પરિવારે
જ્યાં સુધી તમામ હત્યારા ન પકડાય ત્યાં સુધી શબ નહી સ્વીકારવાનો નિર્ણય લેતા પોલીસ દોડતી થઈ છે. આ મામલે શબનો સ્વીકાર કરે તે માટે પરિવારોને સમજાવવા અને સાંત્વના આપવા માટે સાંસદ નારણ કાછડીયા હોસ્પિટલ પહોંચી ગયા છે.
મૃતક પરિવારજનો સહિત 200થી વધુ લોકોનું ટોળુ સાવરકુંડલા હોસ્પિટલના પ્રટાંગણમાં ધામા નાખી બેઠું છે. તમામ લોકો એક જ વાત પર અડીખમ છે કે, જ્યાં સુધી તમામ આરોપીઓ નહી પકડાય ત્યાં સુધી લાસનો સ્વીકાર નહી કરાય.
સાંસદ નારણ કાછડીયાએ મૃતક ખેડૂતના પરિવારની મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે. મૃતક ખેડૂતના પરિવારજનોએ સાંસદને રજૂઆત કરી હતી કે, 7 આરોપીઓ પકડાયા બાદ જ અમે શબનો સ્વીકાર કરીશું. સાંસદે પરિવારને
સાંત્વના આપી પોલીસને કહ્યું હતું કે, ઝડપીમાં ઝડપી હત્યારાઓની ધરપકડ કરી તેમને કડકમાં કડક સજા મળે.
આ મુદ્દે ડીવાયએસપી કે. જે. ચૌધરીએ જણાવ્યું કે, ખેડૂતની હત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં 2 આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે. ટુંક સમયમાં
તે લોકો પણ જેલના સળીયા પાછળ હશે.
શું હતો મામલો
અમરેલીના ખાંભાના ખોડી સમઢીયાળા ગામે ગઈકાલે 8થી 10 અજાણ્યા શખ્સો દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક ખેડૂતનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે એકની હાલત ગંભીર છે. પોલીસ સૂત્રોના
જણાવ્યા અનુસાર, ટ્રેકટર સાઈડમાં લેવા બાબતની નજીવી તકરારમાં કેટલાક શખ્સો દ્વારા છરી અને પાઈપ વડે બે ખેડૂત ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પરસોત્તમ અરજણભાઈ ગોદા (ઉ. 48)નું ઘટના સ્થલ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે એકની હાલત ગંભીર હોવાથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર