Home /News /kutchh-saurastra /

અમરેલી : ભેળસેળિયા બાયોડિઝલના વેચાણ સામે કાર્યવાહી, રૂ. 99 લાખનો મુદ્દામાલ જપ્ત

અમરેલી : ભેળસેળિયા બાયોડિઝલના વેચાણ સામે કાર્યવાહી, રૂ. 99 લાખનો મુદ્દામાલ જપ્ત

પ્રતિકાત્મક તસવીર

અમરેલી કલેક્ટર દ્વારા આકરી કાર્યવાહી કરતા 99,93,587 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

    ન્યૂઝ 18 ગુજરાતી : અમરેલી જીલ્લામા અલગ- અલગ સ્થળો ઉપર બાયોડીઝલના નામે અન્ય ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થનુ અનઅધિકૃત રીતે વેચાણ કરવામા આવતુ હોવાની બાતમીના આધારે જિલ્લા કલેક્ટર આયુષ ઓકની સૂચનાનુસાર તપાસણી ટીમો દ્વારા આ પ્રકારનુ ગેરકાયદેસર વેચાણ અટકાવવા આજદિન સુધી 20 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ 1,48,724 લીટર ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ, કિંમત રૂ. 99,93,587/- નો મુદ્દામાલ સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

    સીઝ કરેલ ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થના નમુના ફોરેંસીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર ખાતે મોકલવામા આવ્યા છે અને સીઝ કરેલ જથ્થો સરકાર વતી યથાવત સ્થિતિમા સાચવી રાખવા જે-તે જગ્યાએ જથ્થાના માલિકોને સોંપવામા આવ્યો છે. ફોરેંસીક સાયન્સ લેબોરેટરી તરફથી મળેલ આ પદાર્થના નમુનાના પૃથક્કરણ અહેવાલ મુજબ સીઝ કરેલ તમામ જથ્થો બાયોડીઝલ ન હોવાનુ જાણવા મળ્યું છે. જે અન્વયે આજદિન સુધી કુલ રૂ. 18,46,646/-નો જથ્થો રાજ્યસાત કરીને આગળ કાર્યવાહી ચાલુ છે.

    આ પણ વાંચો :  રાજકોટનો બ્રેઇનડેડ યુવક અંગદાન કરીને 8 વ્યક્તિઓને આપશે નવજીવન

    રાજ્યસાત કરવામાં આવેલ જથ્થો સક્ષમ અધિકારીની મંજુરી વગર મજકુર ઈસમો દ્વારા વેચાણ કરવામા આવેલ હોવાની શંકાના આધારે કલેક્ટરની સૂચનાનુસાર મામલતદારશ્રી, બાબરા દ્વારા તપાસ કરતા બાબરા શહેરના 2(બે) ઈસમો પાસેથી સીઝ કરેલ સરકારી જથ્થો સ્થળ ઉપર હાજર જોવા મળેલ ન હતો. આમ મજકુર ઈસમો દ્વારા સક્ષમ અધિકારીશ્રીની મંજુરી વગર સરકારી કબ્જા હેઠળના જથ્થો વગે કરવામા આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર, અમરેલી દ્વારા બંને ઈસમો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા હુકમ કર્યો છે. તેમજ ખાંભા તાલુકાના મોટા બારમણ મુકામે તથા લીલીયા તાલુકાના બવાડા ગામે આવેલ રેશનીંગના દુકાનદારો દ્વારા ગામે રહેતા ન હોય, મૃત્યુ પામેલ હોય તેવા તથા સ્થળાંતર થયેલ કાર્ડધારકોના નામે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો મોટા પ્રમાણમાં વગે કરી પોતાના અંગત આર્થિક લાભ માટે કાળાબજારમા વેચાણ કરેલ હોય, જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર,અમરેલી દ્વારા બંને રેશનીંગના દુકાનદારો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા હુકમ કરવામા આવેલ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Illegal, અમરેલી, રેડ

    આગામી સમાચાર