Home /News /kutchh-saurastra /

Kutch: ભુજમાં સુરતના બનાવના વિરોધમાં ભાજપ અને આપ વચ્ચે ઝપાઝપી થતાં સુરત જેવા દ્રશ્યો સર્જાયા

Kutch: ભુજમાં સુરતના બનાવના વિરોધમાં ભાજપ અને આપ વચ્ચે ઝપાઝપી થતાં સુરત જેવા દ્રશ્યો સર્જાયા

આપના

આપના કાર્યકરોના હાથમાંથી પોસ્ટર છીનવી લેવાતા બંને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે કચ્છ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર આપ દ્વારા વિરોધ વખતે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી અને પોલીસને આપના કાર્યકરોની અટક કરવી પડી હતી.

    Kutch: સુરત મહાનગર પાલીકા (Surat Municipal Corporation)ના સદનમાં પાણીના મીટર હટાવવા અને વર્ગ-4 ના કર્મચારીઓની ભરતી કરવાના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP Gujarat)ના કોર્પોરેટરો ધરણા પર બેઠેલા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને SMC માંથી બળજબરી પૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા તો પોલીસ (Surat Police)અને કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છના ભાજપ કાર્યાલય (Kutch BJP Headquarters) બહાર વિરોધ કરાતા બંને પક્ષ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી અને પોલીસને વચ્ચે પડતા સુરત જેવા દ્રશ્યો સર્જાયા હતા.

    સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે સોમવારે કચ્છમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વિરોધ સૂત્રોચ્ચાર કરી તેમના ફોટા પર કાળા માર્કર વડે ચોકડી મારી વિરોધ દર્શાવવામાં આવ્યું હતું.

    આ વચ્ચે ભાજપ કાર્યાલયમાં હાજર ભાજપના કાર્યકરો બહાર આવી ગયા હતા અને આપના વિરોધ સામે વિરોધ કરવાનું શરુ કર્યું હતું. બન્ને પક્ષોના વિરોધમાં \"પાટીલ હાય હાય\" અને \"કેજરીવાલ હાય હાય\"ના નારા ગુંજી ઉઠ્યા હતા. તે વચ્ચે જ ભાજપના કાર્યકરો દ્વારા આપના કાર્યકરોના હાથમાંથી પોસ્ટર છીનવી લેવાતા મામલો તંગ બન્યો હતો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. ધક્કામુક્કી અને હાથાપાઈ રોકવા અને બન્ને પક્ષના કાર્યકરોને છૂટા કરવા પોલીસે વચ્ચે પડવું પડ્યું હતું અને બળનો પ્રયોગ કરી આપના કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડવા પડ્યા હતા.

    આ મુદ્દે આપના પ્રદેશ સહમંત્રી રાજેશ પિંડોરિયાએ આક્ષેપ કર્યા હતા કે ભાજપના ગુંડાઓ દ્વારા ઝપાઝપી શરૂ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ધકબુસટ મારી સર્વેની અટક કર્યાના આક્ષેપ કરાયા હતા. તો બીજી તરફ સ્થળ પર હાજર ભાજપના નેતા કમલ ગઢવીએ News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે આપના કાર્યકરો દ્વારા પોસ્ટર સાથે કાર્યાલયની અંદર ઘૂસવા પ્રયાસ થયા હતા જે યોગ્ય નથી અને તે કારણે જ ઝપાઝપી શરૂ થઈ હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર