આજરોજ તા.10મી ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની (World Lion Day) સિંહ (Lion) પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ જુદીજુદી રીતે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં પ્રકૃતિના બચાવ માટે હંમેશા તત્પર રહેતી વસુંધરા નેચર ક્લબ (Vasundhara Nature Club) ની ટીમ દ્વારા વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે.
વિશ્વ સિંહ દિવસ નિમિતે વસુંધરા નેચર ક્લબ દ્વારા જૂનાગઢના વિલીંગ્ડન ડેમ ખાતે ક્લિન ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું. વિલીંગ્ડન ડેમ એ જૂનાગઢનો મુખ્ય જળ સ્ત્રોત છે. નવાબીકાળમાં પ્રકૃતિના ખોળે નિર્માણ પામેલ વિલીંગ્ડન ડેમ પર્યટકો માટે હરવા-ફરવાનું મહત્વનું સ્થળ છે, ત્યારે અહીં આવતા પર્યટકોમાંથી કેટલાક પર્યટકો અહીં ભોજન પણ કરતાં હોય છે, ત્યારે ભોજન કર્યા બાદ વધતો કચરો જેવોકે; ડિસ્પોઝેબલ ડિશ, ગ્લાસ, ચમચી ઉપરાંત છાસની થેલી, અન્ય પ્લાસ્ટિકનો કચરો અહીં જ છોડીને જતાં રહે છે! પરિણામે પ્રકૃતિને મોટાપાયે નુકસાન થતું હોય છે.
વિલીંગ્ડન ડેમ ખાતે આવતા પર્યટકોએ ફેંકેલા ફૂડ પેકેટ્સ અને અન્ય પ્લાસ્ટિક નો કચરો એકઠો કરીને તેનો નાશ કરવા માટે વસુંધરા નેચર ક્લબ જૂનાગઢના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વિલીંગ્ડન ડેમ ખાતે ક્લિન ડ્રાઇવનું આયોજન થયું હતું. જેમાં વસુંધરા નેચર ક્લબ ના સભ્યો સહિત અન્ય પ્રકૃતિ પ્રેમી મળીને કુલ 15 જેટલા લોકો આ ક્લિન ડ્રાઇવ માં સ્વૈચ્છિક રીતે જોડાયા હતા.
વિલીંગ્ડન ડેમ ના નીચેના ભાગ થી શરૂ કરીને ઉપર સુધી અનેક જગ્યાએ જમા થયેલો પ્લાસ્ટિક નો કચરો હટાવવાના શક્ય એટલા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિલીંગ્ડન ડેમ ખાતે યોજાયેલ ક્લિન ડ્રાઇવ ના અંતે 20 થી વધુ બોરા ભરીને પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક, ડિસ્પોઝેબલ ડીસ, ચમચી, ગ્લાસ, ફૂડ પેકેટ્સ, માવાના કાગળ, પ્લાસ્ટિકની બોટલ મુખ્ય હતા.
આ તકે વસુંધરા નેચર ક્લબ ના પ્રણવભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આપણે ક્યાંય પણ જંગલમાં કે કુદરતી જગ્યાઓએ પ્રકૃતિનો આનંદ માણવા જઈએ, ત્યારે શક્ય હોય તો પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરે અને સાથે લઈ જવામાં આવેલ તમામ વસ્તુને આપણે આપણી સાથે લેતા આવીએ. પ્રકૃતિના ખોળે ફેંકવામાં આવતો પ્લાસ્ટિક જેવો કચરો પ્રકૃતિને ગંભીર અસર પહોંચાડે છે. ખાસ કરીને જળાશયોમાં ફેકવામાં આવતા પ્લાસ્ટિકથી તેના તળિયા પર પ્લાસ્ટિક જામી જાય છે અને રિચાર્જ થઈ શકતું નથી! માટે પ્રકૃતિને પ્લાસ્ટિક થી બચાવીએ.
વસુંધરા નેચર ક્લબ દ્વારા અગાઉ પણ આવી અનેક ક્લિન ડ્રાઇવ નું આયોજન થયું હતું અને આવનારા સમયમાં પણ આ ક્લિન ડ્રાઇવ જૂનાગઢની વિવિધ જગ્યાઓએ યોજવામાં આવશે, તેવું જણાવ્યું હતું.