સમગ્ર વિશ્વમાંથી પોલિયો (Polio) પછી સૌથી વધુ ખામી ધરાવતો રોગ જો કોઈ હોય તો, તે છે સેરેબ્રલ પાલ્સી (Cerebral palsy) . જેને મગજનો લકવો પણ કહેવાય છે. વિશ્વભરમાં સેરેબ્રલ પાલ્સીના હજારો દર્દીઓ જોવા મળે છે. અધૂરા મહિને બાળકનો જન્મ થવો, જન્મ સમયે ઓછું વજન હોવું, સુગર લેવલ ઓછું હોવું, બાળકના જન્મ સમયે મોડેથી રડવું તેમજ જન્મ સમયે કે જન્મ પછી મગજમાં થતી ઇજાઓ સહિતના કારણો સેરેબ્રલ પાલ્સી માટે જવાબદાર છે. મગજના લકવાના કારણે બાળક પોતાના સ્નાયુઓના હલનચલનની કાયમી મુશ્કેલી અનુભવે છે. આવા ચાર બાળકોમાંથી એક બાળક બેસવાની, બોલવાની, ચાલવાની કે બૌધિક ક્ષમતાની ખામીનો અનુભવ કરે છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ રોગની હજુ સુધી કોઈ જ દવા શોધાઈ નથી!
ત્યારે આવા બાળકો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી (Cerebral Palsy day Celebrated in Junagadh) કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે જૂનાગઢમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કે જે દિવ્યાંગ અનાથ બાળકો માટેની સંસ્થા છે, તેના દ્વારા આજરોજ તા.6ઠ્ઠી ઓક્ટોબર ના રોજ વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી અંતર્ગત એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મનોવિકલાંગ બાળકોએ ભાગ લીધો હતો. આ રેલીની શરૂઆત જૂનાગઢ શહેરના તળાવ દરવાજા પાસે આવેલ શહીદ પાર્ક થી થઈ હતી, જ્યારે તેને કાળવા ચોક સુધી લઈ જઈ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
જૂનાગઢ ખાતે યોજાયેલ આ રેલીની ખાસિયત એ હતી કે, આ રેલીમાં ટ્રેક્ટર અને વ્હીલચેરમાં દિવ્યાંગોને બેસાડીને રંગલા-રંગલીના નાટક સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને જૂનાગઢ જિલ્લા કોર્ટના આટોદરિયા સાહેબ, સિડબ્લ્યુસીના ચેરમેન ગીતાબેન માલમ, સમાજ સુરક્ષા અધિકારી તેમજ બાળ સુરક્ષા અધિકારી સહિતના અનેક આગેવાનોએ લિલી ઝંડી આપી આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમાજમાં રહેતા દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ લાવવા સંસ્થા દ્વારા કરવામાં આવેલ આ વિશેષ પ્રયત્નને સૌ કોઈએ બિરદાવ્યો હતો.