Home /News /junagadh /જૂનાગઢ: વણઝારી ચોકની ગરબી, આઝાદી પહેલાની આ ગરબી હજુ પણ એવી જ લોકપ્રિય છે - Video

જૂનાગઢ: વણઝારી ચોકની ગરબી, આઝાદી પહેલાની આ ગરબી હજુ પણ એવી જ લોકપ્રિય છે - Video

X
Vanzari

Vanzari Chowk Garbi

જૂનાગઢના ઇતિહાસ અને કલાક્ષેત્રમાં ઉજળું નામ એવાં પદ્મશ્રી દિવાળીબેન ભીલને નામના વણઝારી ચોકની ગરબીએ અપાવી છે, તેઓ પોતાની કારકિર્દીની શરૂઆતમાં અહીં ગરબા ગવડાવતા હતા

જૂનાગઢમાં અન્ય શહેરોની માફક પ્રાચીન-અર્વાચીન બંને પ્રકારની ગરબીનું આયોજન થતું આવ્યું છે, પરંતુ આપણી પરંપરાના રાસ-ગરબા યોજતી પ્રાચીન ગરબીઓમાં વણઝારી ચોકની ગરબીની વાત જ કઈંક અનોખી છે! આઝાદી પૂર્વે શરૂ થયેલ વણઝારી ચોકની એ ગરબીએ આજે પણ પોતાની લોકપ્રિયતા એવીને એવી ટકાવી રાખી છે, જેનું પ્રમાણ રાત્રે ગરબી ચોકમાં ઊમટતા માનવ મહેરામણ ઉપરથી સ્પષ્ટપણે મેળવી શકાય છે.

આઝાદી પહેલાં વણઝારી ચોકની ગરબી આ રીતે યોજાતી

તમને જાણીને નવાઈ લાગશે, પણ જૂનાગઢના હાર્દ સમાન વણઝારી ચોકની ગરબી આઝાદી પૂર્વે એક તંબુમાં યોજવામાં આવતી, એ સમયે માત્ર બેઠાં ગરબાનું આયોજન થતું. આવનાર સર્વે લોકોનું ગુલાબ જળથી સ્વાગત થતું, કોઈપણ જાતની સાઉન્ડ સિસ્ટમ વિના માત્રને માત્ર ઢોલક, મંજીરા, ઝાંઝ અને પગેથી વાગતા પેટીવાજા જેવા સંગીતના સાધનોની સુરાવલી વહેતી, એ સમયે કોઈ ઝાકઝમાળ જોવા ન મળતી, માત્ર એક લેમ્પના અજવાળે માઇભક્તો જગદંબાની આરાધના કરતાં. રતુભાઈ અદાણીના એક પુસ્તકમાં ઉલ્લેખ થયાં મુજબ વણઝારી ચોકની ગરબી જૂનાગઢના સર્કલ ચોક પછી બીજા ક્રમની પ્રાચીન ગરબી છે.

વણઝારી ચોકની ગરબીની ખાસિયતો

જૂનાગઢમાં યોજાતી વણઝારી ચોકની ગરબીની એક અહીં અનેક ખાસિયત છે. આ ગરબીમાં થતાં પ્રાચીન રાસો જેવાકે; ભુવા રાસ, સળગતી ઇંઢોંણી રાસ, વીંછુડો રાસ, ટિપ્પણી રાસ વગેરે પ્રસ્તુતિ નિહાળવા દૂરદૂરથી માનવમેદની અહીં વણઝારી ચોકમાં ઉમટી પડે છે. અનેક બાળાઓ વણઝારી ચોકની ગરબીમાં ભાગ લે છે અને તમામ બાળાઓને બિલકુલ નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. નવરાત્રીના અંતે ભાગ લીધેલ તમામ બાળાઓને નજીકના દેવસ્થાને દર્શન અને પર્યટન માટે લઈ જવામાં આવે છે, ત્યારે આ વર્ષે બાળાઓને નવરાત્રી બાદ ગિરનાર રોપવે દ્વારા નિઃશુલ્ક અંબાજી દર્શન કરાવવામાં આવશે.

બાળાઓ 30 મિનિટ સુધી સળગતી ઇંઢોંણી માથે લઈને ગરબે ઘૂમે છે

સળગતી ઇંઢોંણીનો રાસ વણઝારી ચોકની ગરબીનું હંમેશાથી આકર્ષણ રહ્યું છે, જેમાં બાળાઓ અંદાજે 30 મિનિટ સુધી સળગતી ઇંઢોંણી પોતાના માથે અને હાથમાં મશાલ ધારણ કરીને ગરબે ઘૂમે છે, આજદિન સુધી આ રાસને લઈને અકસ્માત થયો હોય એવો એકપણ કિસ્સો સામે આવ્યો નથી! પરંતુ ચાલુ વર્ષે સરકારની ગાઈડલાઇન્સ મુજબ બાળાઓની મર્યાદિત સંખ્યામાં આયોજન કરવાનું હોવાથી વણઝારીના આકર્ષણ રૂપ કહેવાતા એકપણ રાસ થઈ શક્યા નથી!

પદ્મશ્રી દિવાળીબેન ભીલ નાની ઉંમરમાં અહિયાં ગરબા ગવડાવતાં

જૂનાગઢના ઇતિહાસ અને કલાક્ષેત્રમાં ઉજળું નામ એવાં પદ્મશ્રી દિવાળીબેન ભીલને નામના વણઝારી ચોકની ગરબીએ અપાવી છે, તેઓ પોતાની કારકિર્દીની શરૂઆતમાં અહીં ગરબા ગવડાવતાં, તેઓના અવાજને સાંભળવા જૂનાગઢ અને દુરદુરના લોકો ગરબા અને લોકગીતો સાંભળવા અહીં ઉમટી પડતાં. સ્વ.હેમુભાઈ ગઢવીએ અહીંથી જ દિવાળીબેનનો અવાજ સાંભળીને રાજકોટ દૂરદર્શનમાં તેઓની કલા પીરસવા માટે આમંત્રિત કર્યાં હતાં અને ત્યારથી તેઓની કારકિર્દીની શરૂઆત થઈ હતી.
First published:

Tags: Junagadh news, Navratri, Navratri 2021, નવરાત્રી 2021

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો