Junagadh News: આઝાદી કા અમૃત મહોત્સવ ક્લીન ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત 'જૂનાગઢ પર લાગશે સ્વચ્છતાની મહોર' થીમ પર એક સ્વચ્છતા સ્પર્ધાનું (Competititon) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ વિસ્તારોની સ્વચ્છતા અને કચરાના વર્ગીકરણની જન જાગૃતીને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. આ સ્પર્ધા અંદાજે એક માસ સુધી ચાલી હતી. જેના વિજેતા સ્પર્ધકોને (Winner) ગત તા.14મી ડિસેમ્બરના રોજ મહાનગરપાલિકા ખાતે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
એક મહિના સુધી ચાલેલી આ સ્પર્ધામાં જુદાજુદા દિવસે સ્પર્ધામાં ભાગ લીધેલ જૂનાગઢની સોસાયટી કે એપાર્ટમેન્ટની નિર્ણાયક ટિમ દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. જે દરમિયાન નિર્ણાયકો દ્વારા સ્વચ્છતાના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુણાંક આપ્યાં હતાં. આ સ્પર્ધા કુલ 05 રાઉન્ડમાં યોજવામાં આવી. જેમાં પ્રત્યેક રાઉન્ડમાં 10-10 સોસાયટી કે એપાર્ટમેન્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો. આમ, જૂનાગઢની કુલ 50 જેટલી સોસાયટી કે એપાર્ટમેન્ટ દ્વારા 'જૂનાગઢ પર લાગશે સ્વચ્છતાની મહોર' થીમ પર ભાગ લીધો હતો.
સ્પર્ધાના નિર્ણાયકો દ્વારા થયેલ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન, તેઓને અનેક અનુભવો થયાં. જે અનુભવના નિચોડ પરથી તેઓએ પરિણામ નક્કી કર્યું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્પર્ધાને અંતે તમામ સ્પર્ધક સોસાયટી તેમજ એપાર્ટમેન્ટને આમંત્રિત કરીને, જૂનાગઢ મહાનગરપાલિકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાખંડ ખાતે સન્માન સમારોહનું આયોજન થયું. જેમાં સ્પર્ધાના પ્રત્યેક રાઉન્ડમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું.
સ્વચ્છતા સ્પર્ધામાં વિજેતા થયેલ સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રતિનિધિઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યાં. સ્પર્ધામાં થયેલા પાંચ રાઉન્ડમાં ઘણાં ક્રમાંકે ટાઈ થઈ હતી, જેથી સ્પર્ધામાં ભાગ લીધેલ કુલ 50 સ્પર્ધક સોસાયટી અને એપાર્ટમેન્ટમાંથી કુલ 20 વિજેતા સ્પર્ધકોનું મનપા મેયર ધીરુભાઈ ગોહેલ, કમિશનર રાજેશ તન્ના, ડે. મેયર હિમાંશુભાઈ પંડ્યા સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીના સ્પર્ધકોને આશ્વાસન રૂપે સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.ભાવનાબેન ઠૂંમર અને કપિલભાઈ ઘોસિયાએ નૈતિકતાથી ફરજ બજાવી હતી. આ ઉપરાંત આરજે અજય દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ તકે સ્પર્ધાના નિર્ણાયક ડો.ભાવનાબેન ઠૂંમરે જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે મહાનગરપાલિકાથી સફાઈ સંપૂર્ણપણે સાર્થક નહીં થાય, પરંતુ આપણે સૌએ સફાઈને પોતાની નૈતિક ફરજ સમજીને અપનાવવી પડશે. નાના-મોટા સૌ કોઈએ સ્વચ્છતાને પોતાની આદત બનાવવી પડશે તો જ આપણું શહેર એકદમ સ્વચ્છ અને સ્વસ્થ બનશે.