ગિરનાર અને ભવનાથ ક્ષેત્રનો (Bhavnath Girnar) સમાવેશ મહત્વના યાત્રાધામમાં (Pilgrimage) કરવામાં આવે છે, દિનપ્રતિદિન જૂનાગઢનું પ્રવાસન ક્ષેત્ર (Gujarat Tourism) પણ વિકાસ પામી રહ્યું છે, ત્યારે જૂનાગઢના ભવનાથ વિસ્તારનું વાતાવરણ પણ બદ્રીનાથ, કેદારનાથ કે દ્વારિકા જેવું સંગીતમય અને પવિત્ર બને એ માટે જૂનાગઢના જાગૃત નાગરિક જયેશભાઈ દોશી દ્વારા મહાનગરપાલિકાના (JMC) કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો છે.
જે પત્રમાં રજૂઆતના રૂપે થયેલાં ઉલ્લેખ વિશે વાત કરતાં જયેશભાઈ દોશીએ જણાવ્યું કે, હાલમાં જૂનાગઢ એક પવિત્ર યાત્રાધામ તરીકે ખુબજ વિકાસ પામી રહ્યું છે, ત્યારે ભવનાથ વિસ્તારની અંદર ગિરનાર દરવાજા થી લઈને ભવનાથ તળેટી સુધીના વિસ્તારમાં જેટલાં પણ પોલ આવેલા છે, તેમના ઉપર સ્પીકર સર્કિટ લગાવવાની રજુઆત કરી છે. જે સ્પીકર દ્વારા દિવસભર સંગીતમય મંત્રોચ્ચાર થશે અને ધાર્મિક વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેનાથી લોકોનું મન શાંતિ અને પવિત્રતાનો અનુભવ કરે તે માટે આ પહેલ કરવાની વાત મૂકી છે.
જૂનાગઢ આવતાં પ્રવાસીઓ માટે આ સિસ્ટમ એક આકર્ષણનું કેન્દ્ર બનશે અને જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રને એક નવું નજરાણું મળશે. તિરુપતિ બાલાજી, દ્વારિકા, બદ્રીનાથ, કેદારનાથ વગેરે યાત્રાધામોમાં પણ આવી રીતે સ્પીકર્સ લગાવવામાં આવ્યાં છે, ત્યારે જૂનાગઢમાં પણ જો આવી વ્યવસ્થા થશે તો ચોક્કસથી સૌ કોઈ માટે ફાયદાકારક નીવડશે.
વધુમાં જયેશભાઈએ મહત્વની વાત કરતાં કહ્યું કે, ભવનાથ વિસ્તારમાં સ્પીકર્સ સર્કિટ સિસ્ટમ લગાવવા પાછળ જે કઈ ખર્ચ થશે તે તેઓના સ્વખર્ચે લગાવવામાં આવશે. સિસ્ટમ લગાવવામાં અને ભવિષ્યમાં રીપેરીંગનો કોઈપણ ખર્ચ થશે તે માટે તેઓ તૈયાર છે, માટે કોર્પોરેશન ઉપર કોઈપણ જાતનું ભારણ રહેવાનું નથી. જો સ્પીકર્સ સિસ્ટમ લગાવવાની મંજૂરી મળશે, તો ભવિષ્યમાં આ સિસ્ટમનો સરકારી તંત્ર પણ ઉપયોગ કરી શકશે. જૂનાગઢના વિકાસ માટે લેવા યોગ્ય આ પહેલ માટે તંત્ર વહેલાસર મંજૂરી આપે તે માટે જયેશભાઈ દોશી અપેક્ષા કરી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર