જૂનાગઢઃ જિલ્લામાં આવેલી શ્રી મારી શાળાના વિદ્યાર્થીઓએ (Students) જિલ્લા કક્ષાએ યોજાયેલી જુદીજુદી સ્પર્ધામાં પ્રથમ સ્થાન (First Rank) પ્રાપ્ત કરીને સમગ્ર શાળા પરિવાર સહિત જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વિજ્ઞાન મેળો, ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ (District Level) પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ (State Level) સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે, જે માટે સમગ્ર શાળા પરિવારે તેઓને શુભેચ્છાઓ (Best Wishes) પાઠવી.
મળતી માહિતી મુજબ; જૂનાગઢની શ્રી મારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ત્રણ-ત્રણ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યાં છે. જે બાદ હવે તેઓ રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્ય રજૂ કરવા માટે જશે. જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારા બાળ વૈજ્ઞાનિકોમાં અજબા કાદરી અને અનસ બેલીમનો સમાવેશ થાય છે. જેઓએ સોલાર દ્વારા વાયુ શુદ્ધિકરણ પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું. જેના માર્ગદર્શક તરીકે તેઓના શિક્ષક મુકેશગીરી મેઘનાથીએ ફરજ બજાવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ કલા મહોત્સવની જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં શિક્ષક ભાવિલભાઈ વાઘેલાના માર્ગદર્શનમાં તૈયાર થયેલ ભાર્ગવ વાઘેલાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં શ્રી વીણાબેન કરંગીયાના માર્ગદર્શન નીચે એન્જલ બેરાએ સીઆરસી કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને સમગ્ર શાળા સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવેલા તમામ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે. જે અંગે શ્રી મારી પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો તેમજ આચાર્ય જયભાઈ વસવેલીયાએ વિગતવાર માહિતી આપી હતી.