ભવનાથમાં કહેવાય છે કે, રોટલો શેરનાથબાપુનો મોટો. આવું કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે , અહીં 365 દિવસ સદાવ્રત ચાલે છે. શિવરાત્રીનાં મેળામાં લાખોની સખ્યામાં ભાવીકો ભોજન લેશે. અહીં એક કલાકમાં 3600 રોટલી તૈયાર થશે.
Ashish Parmar, Junagadh: આપણા કાઠીયાવાડમાં એક કહેવત છે કે, ટુકડો ત્યાં હરિ ઢુંકડો. કાઠીયાવાડ હંમેશા બહારથી આવેલા મહેમાનોને મહેમાન ગતિમાં કોઈ કસર બાકી રાખતું નથી.ત્યારે જૂનાગઢનું ગોરખનાથ આશ્રમ અત્યારથી જ મહાશિવરાત્રીના મેળામાં આવનાર તમામ ભાવીકોને ગરમા ગરમ ભોજન પીરસવા માટે કામે લાગ્યું છે. આશ્રમમાં 365 દિવસ સદાવ્રત ચાલે છે. ફક્ત શિવરાત્રી મેળામાં જ નહીં પરંતુ અહીં 365 દિવસ આવનાર દરેક લોકોને ગરમા ગરમ ભોજન અને ચોખ્ખા ઘીનો મોહનથાળ પીરસવામાં આવે છે.
ગુરુના ગુરુના સમયથી આ સદાવ્રત ચાલે છે
મહંત શેરનાથબાપુએ જણાવ્યું હતું કે, ગોરક્ષનાથ આશ્રમના સદગુરુ યોગી પીર શ્રી ત્રિલોકનાથ બાપુનું સમાધિ સ્નાન અહીં આવેલું છે, જેઓએ 50 થી 60 વર્ષ સુધી અહીં સેવાની જ્યોત પ્રજવલિત રાખી હતી. આ ઉપરાંત ત્રિલોકનાથ બાપુના ગુરુ સોમનાથ બાપુનું સમાધિ સ્થાન પણ અહીં આવેલું છે. સોમનાથ બાપુએ શેરનાથ બાપુના દાદાગુરુ કહેવાય. આ બંને સદગુરુએ જે સંસ્કારનો વારસો શેરનાથ બાપુને આપ્યો છે. તેમનું કહેવું છે કે, અહીં આવેલા યાત્રિકો ગિરનારના મહેમાન કહેવાય અને તેમને ભૂખ્યા પરત ન મોકલાય. તેથી જ અહી વર્ષોથી લોકોને પ્રસાદ આપવાની પરંપરા અવિરતપણે શરૂ રાખવામાં આવી છે.
છ દિવસ લોકો અહીં ભોજન લેશે
શિવરાત્રીનો મેળો આમ તો ચાર દિવસનો છે. 15 થી 18 ફેબ્રુઆરી સુધી મેળો ચાલશે,પરંતુ શનિવારે શિવરાત્રી છે અને ત્યારબાદ રવિવારે પણ રજાના માહોલને લીધે ભીડ ઓછી થવાની શક્યતા ઓછી છે. આ ઉપરાંત અત્યારથી જ અનેક લોકો આ મેળાની મજા માણવા માટે આવી પહોંચ્યા છે અને આવનારા દિવસોમાં ભીડ લાખોની સંખ્યામાં પહોંચશે ત્યારે છ દિવસોમાં લાખો લોકો આ આશ્રમની મુલાકાત લેશે અને અહીં ભોજન લેશે
એક કલાકમાં 3600 રોટલી તૈયાર થશે
અહીં આવનારી યાત્રીકોની ભીડને પહોંચી વળવા માટે અહીં રોટલી માટે બે મશીન મુકાયા છે, જેમાં એક મશીનમાંથી દર કલાકે 1800 થી વધુ રોટલીઓ ગરમા ગરમ બને છે. આમ કુલ એક કલાકમાં 3600 રોટલીઓ ગરમા ગરમ લોકો જમશે. આ સિવાય ચોખ્ખા ઘીનો મોહનથાળ, બાજરાના રોટલા ખમણ, ગરમા ગરમ ભજીયા, બે પ્રકારની શાક તથા છાશ સહિતના વ્યંજનો અહીં આવનાર યાત્રિકોને પીરસવામાં આવે છે. બીજી મહત્વની વાત એ છે કે, અહીં આવનાર યાત્રિકોને પોતાની ડીશ પણ સાફ કરવાની રહેતી નથી, તે પણ કામ સ્વયંસેવકો કરી રહ્યા છે.
24 કલાક ચાલશે આ સદાવ્રત
રસોડામાં નવ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે, આ સાથે 125 થી વધુ સ્વયંસેવકો, 24 કલાક ચાલતા રોટલીના મશીનો થકી અહીં શિવરાત્રીના મેળામાં આવનાર દરેક યાત્રીઓને ગરમાગરમ ભોજન પીરસવા માટે કટિબદ્ધ છે
12 માસ એટલે કે 365 દિવસ ચાલે છે અહીં ભોજનાલય
અહીં યાત્રિકોને ફક્ત શિવરાત્રી પૂરતું જ મર્યાદિત નહીં પરંતુ 365 દિવસ આવનાર દરેક લોકોને બપોરે તેમ જ સાંજે ગરમા ગરમ જમવાનું આપવામાં આવે છે.
આશ્રમમાં ગાયનો પણ થાય છે નિભાવ
આશ્રમમાં એક ગૌશાળા પણ આવેલી છે, જ્યાં ગાયની સેવા કરવામાં આવે છે. શેરનાથબાપુ ખુદ ગાયની સાર સંભાળ લે છે અને અન્ય સેવકો પણ અહીં ગાયની સેવા કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.