બે બજેટમાં જોગવાઈ તો કરી છે.પરંતુ હજુ એક ઈંટ પણ મુકાઈ નથી.
જૂનાગઢમાં બાળકો રમી શકે અને વડીલો બેસી શકે તેવા ખાસ કોઈ બગીચા નથી. જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા બજેટમાં જોગવાઈ તો કરવામાં આવે છે. પરંતુ સમયસર તેનું કામ થતું નથી. બે બજેટમાં જોગવાઈ તો કરી છે.પરંતુ હજુ એક ઈંટ પણ મુકાઈ નથી.
Ashish Parmar, Junagadh : જૂનાગઢને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તેને બે દાયકાથી વધુનો સમય વીતી ગયો છે. પરંતુ હજુ પણ જૂનાગઢની જનતાસુવિધાઓ પ્રથામિક સુવિધા માટે વલખા મારે છે. સારા રસ્તા, ગટર, પાણી સહિતની સુવિધાઓ હજુ પૂરતા પ્રમાણમાં મળી નથી.તેમજ બાળકોને રમવા માટે તથા સિનિયર સિટીઝનને બેસવા અને સમય પસાર કરવા એક સારો શહેરમાં બગીચો જરૂરી છે. જૂનાગઢમાં સારો બગીચો બનાવવા માટે ઘણા વર્ષોથી બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ આજ સુધી કોઈપણ પ્રકારની બગીચાને લઈને મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
આ વર્ષે બજેટમાં છે 30 લાખની જોગવાઈ
જૂનાગઢમાં સારો બગીચો બનાવવા માટે ચાલુ વર્ષે બજેટમાં 30 લાખની જોગવાઈ છે.બજેટમાં જે પ્રમાણે જોગવાઈ છે તે શબ્દસઃ આપની સમક્ષ રજુ છે : શહેરના પ્રબુધ્ધ નાગરીકો માટે સિનીયર સિટીઝન પાર્ક સ્વ. નારસિંહભાઇ પઢિયાર સિનીયર સીટીઝન પાર્ક જૂનાગઢ શહેરમાં વસતા આપણા સિનીયર સીટીઝનો કે જેઓનો અનુભવ , જ્ઞાન અને વિચાર સદાય આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેથી જ તેઓને વૃધ્ધ તરીકે નહીં પરંતુ પ્રબુધ્ધ તરીકે પ્રયોજવાનો માન.વડાપ્રધાનનો પણ આગ્રહ છે. તેવા પ્રબુધ્ધજનો એવા સિનીયર સીટીઝનો માટે ખાસરૂપે નવા બગીચાઓ, ઉદ્યાનો બનાવી સિનીયર સીટીઝન પાર્ક ઉભા કરવામાં આવશે અને આ યોજનાને સ્વ. નારસિંહભાઈ પઢિયાર સિનીયર સીટીઝન પાર્ક નામકરણ આપી તેના માટે 30 લાખની જોગવાઇ કરવામાં આવે છે.
બજેટમાં જોગવાઈ મુજબ હાલમાં ન તો કોઈ બગીચો બનાવાયો છે કે ન તો આ કાર્યની કોઈપણ પ્રકારે શરૂઆત કરવામાં આવી છે. હાલમાં ડિસેમ્બર માસ ચાલી રહ્યો છે. થોડા જ સમયમાં ફરીથી બજેટ રજૂ કરાશે. ત્યારે આ જ રીતે જોગવાઈ કરવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે બજેટમાં બાગ- બગીચા નવા બનાવવા માટે જોગવાઇ તો થાય છે પરંતુ એક ઈંટ પણ મૂકવામાં આવતી નથી.
2021-22 ના બજેટમાં પણ કરવામાં આવી હતી જોગવાઈ
વર્ષ 21-22 માં જુદા જુદા ગાર્ડન તથા સર્કલ ડેવલપ કરવા માટે બજેટમાં કુલ 74 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. હાલમાં ચાલુ વર્ષમાં 30 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
ખાનગી સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યો છે પાર્ક
જૂનાગઢમાં રાજીવ ગાંધી પાર્ક તથા શહીદ પાર્ક આવેલો છે. રાજીવ ગાંધી પાર્કમાં હાલ નવેમ્બર મહિનાથી ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશ ફી પાંચ રૂપિયા છે. પરંતુ સુવિધાઓનો નામે અહીં મીંડું છે.શહીદ પાર્કની જગ્યાએ પ્રવેશ ફી નથી. પરંતુ અહીં બાળકો માટે કોઈ સારી રાઇડ ઉપલબ્ધ નથી.બેસવાની વ્યવસ્થા છે. અહીં બાજુમાં જ તળાવ હોવાથી અવારનવાર અહીં સાપ પણ આવી ચડે છે.
સારો પાર્ક મળવાથી ઘણા છે ફાયદા
જૂનાગઢને સારો પાર્ક મળે તો માતા,પિતા પોતાના બાળકો સાથે પાર્કમાં બેસીને સમય વિતાવી શકે તથા અવનવી દરેક રમવાની રાઇડનો બાળકો મુક્ત મને ઉપયોગ કરી શકે.તેમજ સિનિયર સિટીઝન પોતાના ગ્રુપ સાથે ગાર્ડનમાં બેસી સમય વિતાવી શકે. લોકો વોકિંગ માટે પણ ખાસ ખુલ્લા પગે ઘાસ માં ચાલવાનું પસંદ કરતા હોય છે. તેથી સારો બગીચો જૂનાગઢની જનતાને મળે તેવું પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે.
ટીંબાવાડીમાં સાંજે ભીડ હોય છે
જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં બગીચો છે. આ બગીચો મહાનગર પાલિકા જ હસ્તક છે. અહીં સાંજ પડતા બાળકો ઉમટી પડે છે.ત્યારે મનપા દ્વારા શહેરના અન્ય વિસ્તારમાં પણ બગીચાનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે.