જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં બટાટાની હરરાજી થઇ રહી છે. આ બટાટા ડીસાથી આવે છે. અહીં હરરાજીમાં મુકવામાં આવે છે. ડીસા કરતા જૂનાગઢ યાર્ડમાં બટાટાનાં ભાવ વધુ મળે છે. એક મણે 35 રૂપિયાથી વધુનો તફાવત રહે છે.
Ashish Parmar, Junagadh : સોરઠમાં બટાટાનું વાવેતર થતું નથી. છતા પણ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં નિયમીત બટાટાની હરરાજી થઇ રહી છે. જૂનાગઢના હોલસેલના વેપારીઓ લોકોની જરૂરિયાત મુજબ બટાટા મળી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે.જૂનાગઢ યાર્ડમાં ડીસાથી બટાટા આવે છે. ડીસા યાર્ડ કરતા જૂનાગઢ યાર્ડમાં બટાટા મોંઘા છે. એક મણે 35 રૂપિયા જેટલો તફાવત છે.
રોજના 400 થી 500 ક્વિન્ટલ બટાકાની આવક નોંધાય છે
જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં રોજે 400 થી 500 ક્વિન્ટલ બટાટા ઇમ્પોર્ટ કરવામાં આવે છે. અત્યારે જો કે સીઝન નથી, પરંતુ ચાલુ સીઝનમાં આ બટાટાની 1200 થી 1500 ક્વિન્ટલની આવક નોંધાય છે.
ઉત્તર ગુજરાતમાંથી મંગાવાય છે બટાટા
જૂનાગઢમાં બટાટાની આવક ઉત્તર ગુજરાતનાં ડીસા અને મહેસાણામાંથી થાય છે. અહીંના વેપારીઓ અગાઉથી આ બટાટા મંગાવીને રાખે છે અને તેનો અલગથી સ્ટોક પણ રાખવામાં આવે છે. જેથી લોકોની જરૂરિયાતને પહોંચી શકાય. જૂનાગઢમાં હાલમાં કોઇપણ પ્રકારે બટાકાની અછત વર્તાતી નથી.
બે પ્રકારના બટાકામાં લાલ બટાટા બેસ્ટ
જૂનાગઢની માર્કેટમાં 2 પ્રકારના બટાકાની આવક થાય છે. જેમાં વેફર બનાવવા માટે તે બટાટા વપરાય છે તે લાલ બટાટા હોય છે. આ લાલ બટાટા ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે. આ સિવાય રેગ્યુલર બટાટા છે તે વેફર સિવાયના ઉપયોગમાં લેવામાં આવે છે.
ડીસા માર્કેટિંગ યાર્ડના અને અહીંના ભાવમાં આટલો રહે છે તફાવત
સામાન્ય રીતે જૂનાગઢમાં ડીસા અને મહેસાણા માર્કેટીંગ યાર્ડથી બટાટાની આવક થાય છે. જેમાં ડીસા માર્કેટિંગ યાર્ડમાં બટાટાનાં મણનાં 115 રૂપિયા ભાવ છે. જયારે ડીસાનાં બટાટાનાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 150 થી 180 રૂપિય ભાવ રહે છે. અને બજારમાં જતા એક કિલો બટાટાના ભાવ 25 થઈ જાય છે.