Home /News /junagadh /

જૂનાગઢઃ ચોપડા ખરીદવાની પરંપરા રહી અણમન, વેપારીઓ જણાવ્યું સવિશેષ મહત્વ

જૂનાગઢઃ ચોપડા ખરીદવાની પરંપરા રહી અણમન, વેપારીઓ જણાવ્યું સવિશેષ મહત્વ

Chopda

Chopda Shopping

ડિજિટલ યુગમાં પણ ચોપડા ખરીદવાની અને પૂજવાની પરંપરા આજે પણ અકબંધ છે, ત્યારે આવો વેપારી પાસેથી જાણીએ ચોપડાનું સવિશેષ મહત્વ...

    જૂનાગઢઃ દિવાળીના તહેવારોમાં (Diwali) આપણે ત્યાં ચોપડા ખરીદવા એ એક આગવી પરંપરા રહી છે, ત્યારે જૂનાગઢમાં રોજમેળ અને ચોપડાનું વેંચાણ કરતાં વેપારીઓએ ચોપડા ખરીદવાની અને લખવાની પરંપરા વિશે વાત કરતાં જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં પણ આપણી વર્ષોથી ચાલી આવતી પરંપરા એમની એમ જળવાયેલી છે, જેની સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે.

    વેપારીઓ દિવાળીના તહેવારો ઉપર ચોપડા ખરીદીને તેનું વિધિવત પૂજન અર્ચન કરીને વ્યાપાર ધંધાની શરૂઆત કરતાં હોય છે. હાલના સમયમાં નાના ધંધાર્થીઓ પણ નામું લખવા કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં થયાં છે, તેમ છતાં ચોપડા ખરીદીને તેનું પૂજન કરવાની પરંપરા આજ સુધી અણમન રહી છે. એક માન્યતા મુજબ ચોપડા પૂજન કરવાથી ધંધા-રોજગારમાં બરકત આવે છે, આથી વેપારીઓ દિવાળીના તહેવારો ઉપર ચોપડા પૂજન કરતા હોય છે.

    દિવાળીના તહેવારોમાં થતું ચોપડા પૂજન વ્યાવસાયિક વૃદ્ધિ માટે થાય છે, ચોપડા પૂજનના પ્રસંગે પરિવાર અને મિત્રવર્તુળ સાથે મળીને ચોપડા પૂજન વિધિ કરતાં હોય છે, જેથી કરીને ઘરઆંગણે કે વ્યાપાર ક્ષેત્રે એક નાના પ્રસંગની ઉજવણી કરવાનો આનંદ સૌ પ્રાપ્ત કરતા હોય છે. એટલું જ નહીં, ધંધાનો હિસાબ કિતાબ ડિજિટલી થવા છતાં પણ વેપારીઓ ચોપડા ખરીદવાનો આગ્રહ રાખે છે.

    જૂનાગઢ શહેરની અનેક દુકાનોમાં લાલ ચોપડાનું વેંચાણ થઈ રહ્યું છે, નામું લખવા માટે વપરાતાં આ ચોપડાઓની વેપારીઓ ધૂમ ખરીદી કરી રહ્યાં છે. આજના ડિજિટલ યુગમાં પણ શુકન કરવા અને પરંપરા જાળવી રાખવા થતાં ચોપડા પૂજન માટે વેપારીઓ પોતાના વ્યવસાય માટે ચોપડાની ખરીદી કરી રહ્યાં છે. વેપારીઓને ત્યાં ચોપડા પૂજન હોય એટલે ઉત્સવ જેવો માહોલ હોય છે, ત્યારે ગત વર્ષે કોરોનાને કારણે આ પ્રસંગ ઉજવાયો ન્હોતો, પરંતુ આ વર્ષે વેપારીઓ બમણાં ઉત્સાહ સાથે ચોપડા પૂજન કરશે, તેવું જણાય રહ્યું છે.

    ચોપડાનું વેંચાણ કરતા વેપારીઓએ જણાવ્યું કે, ચોપડા પૂજનને લઈને વેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે, જેને કારણે દુકાનોમાં ખુબજ ઘરાકી જોવા મળી રહી છે. તેઓએ વેંચાણ માટે મંગાવેલ લાલ ચોપડાનો સ્ટોક હવે પૂર્ણ થવાને આરે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Chopda Poojan, Digital, Gujarati News News, Junagadh news, Merchant

    આગામી સમાચાર