Ashish Parmar, Junagadh : કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. કેસર કેરીએ ગીર અને સોરઠ પંથકની ઓળખ છે. પરંતુ કેસર કેરીની શરૂઆત અને તેનું નામ કેમ પડ્યુ ? તે કહાની રોચક છે. સર્વપ્રથમ સાલેભાઇની આંબળી તરીકે ઓળખાતી કેસર કેરીનો ઇતિહાસ જાણવા જેવો છે.
1930ની વાત છે. વંથલીનાં ઓજત નજીક ચામસી અને રવાયું નામની સીમમાં આંબાના બગીચા આવેલા હતાં. જૂનાગઢના વજીર સાલેભાઇ હતા. તેઓ પોતાના ફાર્મ પર મુલાકાત માટે ગયા. ત્યારે તેની બાજુની વાડીમાં કેરીનો પાક જોયો. આ કેરીનો પાક કરંડિયામાં પેક કરીને પોતાના માંગરોળના મિત્ર જહાંગીર મિયા શેખ ચખાડવા લઈ ગયા. આ પાકેલી કેરી ચાખી અને જહાંગીર મિયાએ પોતાના દરબારીઓને પૂછતા તેમણે કહ્યું કે, આજ સુધી આવી કોઈ કેરી અમે ખાધી નથી. ત્યારે બધાના મનમાં સવાલ ઉઠ્યો કે, આ કેરીનું નામ શું રાખવું ?? ત્યારે સર્વાનુમતે નિર્ણય થયો કે, આ કેરીની શોધ સાલેભાઇએ કરી તેથી આ કેરીનું નામ સાલેભાઇની આંબળી રાખવું. ત્યારથી આ કેરી સાલેભાઈની આંબળી કહેવાઈ. આ કેરીની શોધ બદલ સાલેભાઈને સાલેહિંદનો ઈલ્કાબ પણ અપાયો હતો.
સાલેભાઈની આંબળીમાંથી કેસર કેરી નામ કેવી રીતે થયું માંગરોળમાં થયેલી આ ઘટનાની જાણ જૂનાગઢના નવાબને થઈ તેમણે આ વિષય પર નિષ્કર્ષ સુધી પહોંચવા માટે બાગાયત શાસ્ત્રના નિષ્ણાંત આયંગર સાહેબની મદદ લીધી હતી. આયંગર સાહેબે સાલેભાઇને મળીને આ આંબાના ઝાડની મુલાકાત કરી હતી. આયંગર સાહેબ દ્વારા આ 97 કલમના વર્ધન માટે આદેશ કરવામાં આવ્યો. આ કલમ તૈયાર થતા ઝાડ પરથી ઉતારી અને જૂનાગઢમાં લાવવામાં આવી હતી. કલમનું થયું આ જગ્યાઓ પર રોપણ જૂનાગઢમાં નવાબના અનેક બગીચાઓ હતાં. જેમાં જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, સરદારબાગ, સક્કરબાગ, લાલઢોરી, લાલબાગ આ વિસ્તારોમાં કલમો લગાવાઇ હતી.
1934માં અપાયું નામ 1934માં આ આંબામાં ફળ આવ્યાં હતાં. આંબામાં હાર્વેસ્ટિંગ કરી તેને ઉતારીને પકવવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી દરબારની અંદર માંગરોળની ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું અને દરેક દરબારી પાસે આ કેરી વિશે માહિતી પૂછવામાં આવી હતી. ત્યારે દરેક દરબારી દ્વારા કહેવામાં આવ્યું કે, આ પ્રકારની સુગંધ અને રેસા વાળું ફળ હજુ સુધી ખાધું નથી અને આ ફળની મીઠાસ કેસર જેવી છે. તેથી આ કેરીને કેસરની માન્યતા આપવામાં આવી. આમ કેસર કેરીનું નામકરણ થયું. આવી રીતે ફળનું નામકરણ થયું હોય તેવી ઘટના જવલ્લે જ જોવા મળતી હોય છે. ત્યારે નવાબીકાળમાં થયેલી આ કેરીનું આ નામકરણ આજે લોકોને વાંચવામાં પણ ખૂબ રસ છે.