જૂનાગઢ: સમગ્ર ગુજરાત રાજ્ય સહિત સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદ (Non Seasonal Rain) પડવાની આગાહીને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ (Junagadh Marketing Yard) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજરોજ તા.30મી નવેમ્બર, મંગળવારથી બપોરે 3 વાગ્યાથી ફરી જાહેરાત ન થાય ત્યાં સુધી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળી, ધાણા અને સોયાબીનની આવક બંધ રાખવાનો નિર્ણય (Decision) કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પી.એસ.ગજેરાએ જણાવ્યું કે, જૂનાગઢ કલેક્ટર ની સૂચના અને જિલ્લા રજિસ્ટારના પરિપત્ર અન્વયે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વરસાદી માવઠિયા વાતાવરણને કારણે કોઈપણ ખેડૂતો કે વેપારીઓની જણસી પલળીને બગડે નહીં, એટલા માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલના માર્ગદર્શન અને સૂચના અન્વયે આજરોજ તા.30મી નવેમ્બર બપોરે 3 વાગ્યાથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબિન, મગફળી અને ધાણાની આવક બંધ કરવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, જો વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય અને જરૂર જણાશે તો, અન્ય જણસીઓની આવક પણ બંધ કરવામાં આવશે. જેની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત આજરોજ બપોરે 3 વાગ્યાથી બંધ કરવામાં આવેલ જણસીની આવક ફરી જાહેરાત ન થાય, ત્યાં સુધી બંધ રહેશે. જ્યારે જણસીની આવક રાબેતા મુજબ શરૂ થવાની જાહેરાત થાય, ત્યારે પણ ખેડૂતો પોતાના કમીશન એજન્ટનો સંપર્ક કરીને આવે, જેથી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા જળવાય રહે.