13 વર્ષની ઉમરે પ્રેમ થયો, 18 વર્ષ પૂર્ણ થયા તે જ રાત્રીનાં ભાગીને લગ્ન કર્યા, 40 વર્ષ પહેલા પાંગરેલો પ્રમે આજે સુખીદાંપત્ય જીવનનું ઉદાહરણ બન્યું છે. આ છે જૂનાગઢ ડે.મેયર ગીરીશભાઇ કોટેચા અને ગીતાબેન કોટેચા.
Ashish Parmar, Junagadh : આજે પ્રેમ લગ્ન સામાન્ય બની ગયા. પરંતુ આજથી 40 વર્ષ પહેલા પ્રેમ લગ્નની કલ્પના પણ કરી શકાતી ન હતી. એક જ જ્ઞાતીમાં પ્રેમ લગ્નનો હજુ વિચાર કરી શકાય. પરંતુ 40 વર્ષ પહેલા જુદીજુદી જ્ઞાતીમાં પ્રેમ લગ્ન એટલે ખાંડાની ઘાર પર ચાલવા જેવું કપરુ કાર્ય હતું. પરંતુ હા, જૂનાગઢમાં આવુ સફળ પ્રેમ જોડું છે. જૂનાગઢનાં ડે.મેયર ગીરીશભાઇ કોટેચા અને ગીતાબેન કોટેચાનાં 40 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતાં.
જૂનાગઢ મનપાનાં ડે.મેયર ગીરીશભાઇ કોટચા અને તેના પત્ની ગીતાબેન કોટેચાને લગ્ને 40 વર્ષ થયા છે. પરંતુ પ્રેમનાં અંકુર તો ફકત 13 વર્ષની ઉંમરમાં જ ફૂટ્યાં હતાં. હા, બન્નેને 13 વર્ષની નાની ઉમરે પ્રમે થયો હતો. ગીતાબેન બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. ગીરીશભાઇ લોહાણા પરિવારમાંથી આવે છે. બન્ને જુદી જુદી જ્ઞાતીનાં હોવાનાં કારણે પ્રેમની સફરમાં અનેક બાધાઓ આવી હતી. જ્યારે ગીતાબેનનાં પરિવારને પ્રેમની ખબર પડી ત્યારે અનેક મુશ્કેલીઓ આવી હતી. અનેક મુશ્કેલી અનો સંઘર્ષ વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમની સરીતા વહેતી રહી. 18 વર્ષ પૂર્ણ થતા જ બન્નેએ ભાગીને લગ્ન કરી લીધા.નવાઇની વાત એ છે કે, જે રાત્રીનાં 18 વર્ષ થયા તે જ રાત્રીનાં લગ્ન કરી લીધા હતાં. આજે આ પ્રેમને 40 વર્ષ થયા છે. ગીરીશભાઇને પ્રેમ થયો ત્યારે રાજકારણમાં ન હતાં. ગીરીશભાઇ પોતાનો વ્યવસાય કરતા હતાં.
હાથમાં ટેટુ બનાવ્યાં
ગીરીશભાઇ અને ગીતાબેનની પ્રેમ કહાની રોચક છે. તેમનું જીવન પણ એટલું સુખમય છે. ગીતાબેને પતિનું ટેટુ પોતાનાં હાથ પર દોરાવ્યું છે. તો ગીરીશભાઇએ પત્નીનું ટેટુ હાથ પર દોરાવ્યું છે.
ગીરીશભાઈ અને ગીતાબેન
ગીતાબેને 20 વર્ષ સુધી જેઠાણીનો અંગુઠો ધોઈને પાણી પીતા
ગીતાબેન લગ્ન કરીને ગીરીશભાઈના ઘરે આવ્યા ત્યારે ગીરીશભાઈનો પરિવાર માન મર્યાદામાં ખૂબ જ ચુસ્ત હતો અને લાજ કાઢવાનો રિવાજ પણ ચુસ્ત હતો. ગીરીશભાઈ પોતાના 27 વ્યક્તિના પરિવાર સાથે રહેતા અને બધાની રસોઈ એક જ રસોડે બનતી. 28 વર્ષ સુધી ગીતાબેન લાજ કાઢીને રહ્યા હતા. ગીરીશભાઈ પોતાના ભાભીને દેવી માનતા અને તેમણે કહ્યું હતું કે, આ ઘરમાં તારી કોઈ ભૂલ પણ થશે તો તું ભાભીને પગે લાગી લઈશ એટલે માફ થઈ જશે એટલે સતત 20 વર્ષ સુધી કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં ગિરીશભાઈના પત્ની ગીતાબેન તેમના જેઠાણીનો અંગૂઠો ધોઈ અને પીતા હતાં.
પરિવારમાં બધાના લગ્નની તારીખ એક જ
ગીરીશભાઈના પરિવારમાં આજે પુત્ર અને પુત્રી છે. તેમના પુત્ર અને પુત્રની લગ્ન પણ તેમના લગ્ન સમયે જ કર્યા હતા એટલે તેમના પુત્ર, પુત્રી અને તેમની પોતાની લગ્ન તારીખ સરખી છે.
આજની પેઢીમાં સહનશક્તિ ઘટી છે : ગીતાબેન
ગીતાબેને જણાવ્યું હતું કે, આજની પેઢીમાં સહનશક્તિ ઘટી છે.તમારે વહુની દીકરી બનાવી હશે તો તમાર પહેલા મા બનવું પડશે. તમે સાસુ બનશો તો તે વહુ જ બનીને રહેશે. આજે મારી પુત્ર વધુ મારી દીકરીથી પણ વિશેષ છે અને મારા ઘરનો તમામ વહીવટ તે જ કરે છે અને મને આ તમામ વસ્તુથી આજે ખુશી છે
ગીરીશભાઈના પુત્રના પણ લવ મેરેજ
ગીરીશભાઈ પોતે લોહાણા સમાજમાંથી આવે છે અને તેમના પત્ની બ્રાહ્મણ સમાજમાંથી છે. આ રીતે જ ગીરીશભાઈ ના પુત્ર પાર્થના પત્ની પણ બ્રાહ્મણ સમાજમાંથી જ આવે છે. ગીરીશભાઈના દીકરી MBA ગોલ્ડ મેડાલિસ્ટ છે. જે હાલમાં મુંબઈ સાસરે છે. આ સાથે તેમની વહુ ચાંદની પણ એમબીએમાં ફર્સ્ટ ક્લાસ સાથે ટોપ કર્યું હતું.