વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે તા.10મી ઓક્ટોબર ના રોજ ભૂતનાથ મંદિર (Bhutnath Temple) ખાતે દિવ્યાંગ ભાઈઓ-બહેનો અને બાળકો માટે રાસ-ગરબાનું (Raas-Garba) આયોજન કરવામાં આવ્યું.
જુનાગઢ: વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે તા.10મી ઓક્ટોબર ના રોજ ભૂતનાથ મંદિર (Bhutnath Temple) ખાતે દિવ્યાંગ ભાઈઓ-બહેનો અને બાળકો માટે રાસ-ગરબાનું (Raas-Garba) આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં જૂનાગઢ નજીક આવેલ દિવ્યાંગોના ઉત્થાન માટે કામ કરતી જુદી જુદી સંસ્થાઓના 125 જેટલાં દિવ્યાંગ બાળકોએ હોંશેભેર રાસ-ગરબામાં (Navratri) ભાગ (Participate) લીધો.
ગઈકાલે તા.10મી ઓક્ટોબર ના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ અને નવરાત્રીના સંયોગની ઉજવણી કરવા માટે મંદબુદ્ધિ, પ્રજ્ઞાચક્ષુ, વિકલાંગ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિની જેમજ જીવન જીવે અને દરેક તહેવાર ધામધૂમથી ઉજવે અને પોતાની વિકલાંગતા ભૂલીને સમાજની સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકે તેવા શુભ આશયથી વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભૂતનાથ મંદિર ખાતે યોજાયેલ દિવ્યાંગોના રાસ-ગરબામાં ભાગ લીધેલ દિવ્યાંગ ભાઈઓ-બહેનો અને બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યાં હતાં. દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ આપણી પરંપરાના ગરબા અને લોકગીતો ઉપર રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. હાથમાં દાંડિયા અને તાળીનો સાથ દઈને ખુશખુશાલ થઈને રાસ-ગરબે રમતાં દિવ્યાંગોને જોઈને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયાં હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં મહેમાનો અને મહાનુભાવોએ દિવ્યાંગોની ખાસ પ્રસ્તુતિ જોઈને પ્રોત્સાહન રૂપે ઇનામોની સરવાણી વહાવી હતી.
કાર્યક્રમના અંતે સૌ કોઈ દિવ્યાંગ ભાઈઓ-બહેનો અને બાળકોએ એકસાથે મળીને ભોજન લીધું હતું. દર વર્ષે આવા કાર્યક્રમો યોજીને દિવ્યાંગો માટે નિઃસ્વાર્થ સેવા કરતાં વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટના વર્ષાબેન બોરીચાંગર અને સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજાએ તમામ સંસ્થાઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.