Junagadh News : ગત અઠવાડિયામાં ગિરનાર પર પડેલાં વરસાદને કારણે નદીઓમાં આવેલ ઘોડાપૂરથી લાલઢોરી નજીક આવેલ પુલ ધરાશાયી થયો છે, ત્યારે સ્થાનિકોએ કઈંક આ રીતે રસ્તા પરથી થાય છે પસાર
ગત અઠવાડિયામાં જૂનાગઢ (Junagadh) તેમજ ગિરનારના (Girnar) ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને (Gujarat Rains) કારણે ગિરનારમાંથી નીકળતી નદીઓમાં ભારે પૂર આવ્યું હતું, જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી (Trrs Fallen) થયાં હતાં, સાથોસાથ આ નદીઓ જે રસ્તાને વીંધીને પસાર થાય છે, તેના ઉપર નિર્માણ થયેલા પૂલ ઉપર પણ ભારે નુકસાન થયું છે.
મળતી માહિતી મુજબ; ભવનાથ વિસ્તારમાં આવેલ લાલઢોરી નજીક વર્ષ 1941માં એટલે કે નવાબી કાળમાં નિર્માણ થયેલ પુલ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો છે, ગિરનાર પર પડેલા ભારે વરસાદને કારણે નદીમાં આવેલ ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે આ ઐતિહાસિક પુલ સંપૂર્ણપણે ધરાશાયી થતાં લાલઢોરીનો સમગ્ર વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે.
લાલઢોરી વિસ્તારમાં પ્રકૃતિને માણવા લોકોની ભારે ભીડ જામતી હોય છે, અનેક લોકો અહીં ફોટોશૂટ કરવા માટે આવતા હોય છે. આ ઉપરાંત અહીં સ્થાનિક રહેવાસીઓ તથા ખેતીકામ કરતાં ખેડૂતોને અવરજવર માટે આ એકજ રસ્તો હતો, ત્યારે લાલઢોરી પાસેની પુલ તૂટી પડતાં હાલ વાહનવ્યવહાર ખોરવાયો છે. સ્થાનિકોને જીવના જોખમે ફરજિયાતપણે નદી ટપીને જવા માટે મજબૂર થવું પડ્યું છે.
ત્યારે સ્થાનિકોએ જૂનાગઢ તંત્રને વિનંતી કરતાં જણાવ્યું છે કે, સત્વરે આ બાબતે વિચારણા કરીને જલ્દીથી જલ્દી નવા પુલનું નિર્માણ કરવામાં આવે, જેથી કરીને સ્થાનિકો અને પ્રકૃતિને માણવા આવતા મુલાકાતીઓને અન્ય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે!