Junagadh News: જૂનાગઢ એસ.ટી.કર્મચારી મંડળ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જૂનાગઢ ડેપો (Junagadh ST) ખાતે જૂનાગઢ બસ સ્ટેશનની પાછળ ખાલી પડેલ જગ્યામાં લોકો કચરો (Waste) ફેંકતા હતા, જેને હિસાબે ભારે ગંદકી થતી હતી. એ જગ્યાને વ્યવસ્થિત રીતે સાફ કરીને, એસ.ટી.કર્મચારીઓ દ્વારા અહીં બગીચાનું (Garden) નિર્માણ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ; જૂનાગઢ એસ.ટી.કર્મચારી મંડળના આગેવાનો તથા સભ્યો દ્વારા એસ.ટી.કર્મચારી મહામંડળના સ્વર્ગસ્થ પ્રમુખ સતુભા ગોહિલની યાદમાં એક શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો. આ શ્રમયજ્ઞના ભાગરૂપે જૂનાગઢ એસ.ટી.ડેપોના કર્મચારીઓ, આગેવાનો તથા સભ્યો દ્વારા બસ સ્ટેશન પાછળ ખાલી પડેલ જગ્યામાં થયેલી ગંદકીને હટાવવામાં આવી.
જે પછી એસ.ટી.કર્મચારી મહામંડળના સ્વર્ગસ્થ પ્રમુખ સતુભા ગોહિલની યાદમાં શ્રમયજ્ઞ કરીને ખાલી પડેલી જગ્યામાં અંદાજે 100 જેટલાં વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને સુંદર બગીચો બનાવવામાં આવ્યો. જેમાં 50 થી વધારે ફૂલછોડ કુંડામાં વાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બગીચા ફરતે રેલીંગ કરવામાં આવી છે, જેથી બગીચાની સુરક્ષા જળવાઈ રહે. બગીચાની સુંદરતામાં વધારો કરવા દિવાલો પર પેઈન્ટિંગ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બગીચામાં એક ચબૂતરો પણ મુકવામાં આવશે.