આપણી ભારતીય સંસ્કૃતિ કૃતજ્ઞતાની સંસ્કૃતિ છે, દરેક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ માણસનો પરમ ધર્મ છે ત્યારે બાર મહિના સુધી જે ચૂલો અગ્નિ રૂપે આપણી સેવા કરે છે, તેને એક દિવસ માટે આરામ આપવો એ દિવસ એટલે શીતળા સાતમ.
પવિત્ર શ્રાવણ માસમાં આવતી વદ સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે અનેક બહેનો શીતળા સાતમનું વ્રત કરે છે અને પોતાના ઘરે ચૂલા ઠારીને એક દિવસ માટે ઠંડુ ભોજન જમે છે. વ્રત કરનાર બહેનો સવારમાં વ્હેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે, જે પછી તેઓ શીતળા માતાજીના મંદિરે જઈને માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
જૂનાગઢમાં આવેલ પ્રાચીન શીતળા કુંડ ખાતે દરવર્ષે શીતળા સાતમને દિવસે મેળો ભરાય છે. હજ્જારોની સંખ્યામાં ભાવિકો અહીં આવીને શીતળા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કાળવા ચોકથી નજીક આવેલ શીતળા કુંડ ખાતે આવેલું શીતળા માતાજીનું વર્ષો પુરાણું મંદિર અનેક ભક્તોની આસ્થાનું પ્રતીક છે.
અહીં આવતા ભક્તો કહેવા મુજબ; શીતળા માતાજીના મંદિરમાં આવતા જ તેઓને અનોખી ઠંડકનો અનુભવ થાય છે. એટલું જ નહીં, પરિવારના કોઈ સભ્યોને કે ખાસ કરીને બાળકોને જ્યારે ઓરી-અછબડા જેવા કોઈ ચર્મ રોગ થાય, ત્યારે માતાજીની માનતા રાખતાં તે અવશ્યથી પૂર્ણ થાય છે અને જલ્દીથી જે તે વ્યક્તિ સાજું થઈ જાય છે. અહીં આવતા દરેક ભાવિકોની મનોકામના અવશ્યથી શીતળા માતાજી પૂર્ણ કરે છે અને માતાજી બાળકોને સદૈવ નિરોગી રાખે છે, તેવી આસ્થા સાથે ભાવિકો અહીં શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવે છે.
અહીં આવેલ નીલકંઠ મહાદેવ પણ અતિપ્રાચીન જગ્યા છે, અહીં આવેલ એક પૌરાણિક આમલીનું વૃક્ષ અને શીતળા કુંડ ભક્તોની આસ્થાનું પ્રતીક છે. અહીં શ્રાવણ માસના દર સોમવારે મનોરમ્ય દીપમાળાના દર્શન યોજાય છે, જેની ઝાંખી કરવા માટે દૂરદૂરથી ભાવિકો ઉમટી પડે છે.