Ashish Parmar, Junagadh: જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા સખી મંડળનાં બહેનોને સ્વરોજગારી મળી રહે તે માટે સોશિયલ મિડિયાનાં પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાનાં સખી મંડળનાં બહેનો દ્વારા ઉત્પાદીત 32 જેટલી વસ્તુઓનું એમેઝોન એપ અને સાઇટ સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. હવે જૂનાગઢનાં બહેનો દ્વારા ઉત્પાદીત વસ્તુઓ જૂનાગઢ કે ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર ભારતમાં મળી રહેશે. આ પ્રયોગથી બહેનોની સ્વરોજગારીમાં વધારો થશે અને બહેનો આત્મનિર્ભર બનશે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા સખી મંડળનાં બહેનો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓનાં વેંચાણ માટે ગોંડલની સંસ્થા સાથે એમઓયુ કર્યાં હતાં. આ સંસ્થાનાં કારણે બહેનોને દ્વારા ઉત્પાદીત વસ્તુનું વિદેશ સુધી માર્કેટીંગ થઇ રહ્યું છે.
આ સાઇટનું ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું
જિલ્લાભરમા અનેક સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતીક ચીજ વસ્તુમાંથી બનાવેલ પ્રોડક્ટને રાજ્યની માં તો ઠીક પરંતુ પુરા દેશભરમા પૂરતું માર્કેટિંગ મળી રહે અને સખી મંડળની બહેનો પોતે આત્મનિર્ભર બનીને વધુ પગભર થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખે કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત જૂનાગઢમાં આ પહેલ કરવામાં આવી છે. એમેઝોન પર જુદીજુદી વસ્તુઓને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ પ્રયાસથી બહેનોએ બનાવેલી પોતાની વસ્તુઓનું માત્ર જૂનાગઢ કે ગુજરાત નહી પરંતુ ભારતભરમાં વેંચાણ થવાથી બહેનોને સ્વરોજગારી માટે અનેક તકો ઉભી થશે , અમારો હેતું બેરોજગાર બહેનોને વધુને વધુ સ્વરોજગારી મળે અને પગભર થાય તેવો છે.
જૂનાગઢ જિલ્લામાં આવેલા સખી મંડળનાં બહેનોને વધુમાં વધુ સ્વરોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તેવા પ્રયાસ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખ, જિલ્લા પ્રમુખ શાંતાબેન ખટારિયા અને ટીમ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સખી મંડળનાં બહેનો દ્વારા ઉત્પાદીત પ્રાકૃતિક વસ્તુને વૈશ્ર્વિક ફલક મળી રહે તે માટે સોશિયલ મિડિયાનાં માધ્યથી એમેઝોન દ્વારા ખાસ સાઇટ બનાવવામાં આવી છે.
સખી મંડળનાં બહેનો દ્વારા ઉત્પાદીત વસ્તુ ખરીદવા અપીલ
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં સખી મંડળનાં બહેનો દ્વારા ઉત્પાદીત વસ્તુની વધુમાં વધુ ખરીદી કરવી જોઇએ. જેના કારણે સખી મંડળની બહેનો પગભર થાય અને વધુ આવક મેળવી શકે તથા બહેનો દ્વારા નિર્મિત વસ્તુઓ વૈશ્ર્વિક બજાર પણ મળે તેમજ બહેનોને સ્વરોજગારી મળી રહે.
વધુ બહેનો આ કિસ્સા પરથી પ્રેરણા લેશે
જુનાગઢ જિલ્લા પંચાયત વધુને વધુ મહિલાઓ રોજગારી મેળવે તે માટે સતત પ્રયત્નશીલ છે માટે અત્યારે સખી મંડળ દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓ એમેઝોન પર વેંચાતી થઈ છે ત્યારે પૂરા ભારતભરનું માર્કેટ મળવાથી તેમને આવકના સ્ત્રોત પણ વધુ પ્રમાણમાં મળી રહેશે અને વધુને વધુ કામ કરવા તરફ પ્રેરાશે ત્યારે આ સખી મંડળના બહેનોનું કામ જોઈને અન્ય બહેનો પણ પોતાને પગભર કરવા તરફ આગળ વધશે