જૂનાગઢ: ગુજરાત સરકાર (Government Of Gujarat) દ્વારા કરવામાં આવેલ નિર્ણયને પગલે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ ધોરણ-1 થી 5નું ઓફલાઇન-પ્રત્યક્ષ (Offline Education) શિક્ષણ શરૂ થયું છે, ત્યારે 20 મહિના પછી ફરીથી શાળાઓમાં નાના-નાના વિદ્યાર્થીઓનો (Stdents) કલરવ ગુંજતો થયો છે. શાળા સંચાલકો એસઓપીનું પાલન કરીને, વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ સાથે જ બાળકોને શાળામાં પ્રવેશ (Entry) આપી રહ્યાં છે.
કોરોના મહામારીને કારણે 15 માર્ચ, 2020 થી તમામ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું, જે પછી તબક્કાવાર છૂટછાટ મળતાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ રહ્યું છે, ત્યારે આજરોજ તા.22મી નવેમ્બર થી ધો.1 થી 5 નું પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કરવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. જૂનાગઢ જિલ્લામાં ધો.1 થી 5 માં કુલ 97,940 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહી શકે તે માટે વાલીઓની સંમતિ મેળવવી ફરજિયાત રહેશે.
જૂનાગઢ જિલ્લામાં ધો.1 થી 5 માં 724 સરકારી અને 438 ખાનગી શાળાઓ નોંધાયેલી છે. જેમાં મોટાભાગની સરકારી શાળાઓમાં ધો. 1 થી 5 નું શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ રીતે શરૂ થઈ ગયું છે. જ્યારે જૂનાગઢ શહેરની કેટલીક ખાનગી શાળાઓમાં આગામી બે-ત્રણ દિવસમાં ધો.1 થી 5 નું પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થશે, તેવું જાણવા મળી રહ્યું છે.
આ તકે જૂનાગઢની કન્યા શાળા નંબર-4 ના આચાર્ય તરુણભાઈ કાટબામણાએ જણાવ્યું કે, દિવાળી વેકેશન બાદ આજરોજ તા.22 નવેમ્બર થી ધો.6 થી 8 નું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થયું છે. જ્યારે ધો.1 થી 5 નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા અંગે લેવાયેલ નિર્ણયનો અમલ કરીને કન્યા શાળા નંબર-4 માં પણ ધો.1 થી 5 નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરીને તેમજ સંમતિ પત્રક દ્વારા વાલીઓની લેખિત સંમતિ મેળવી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવી રહ્યાં છે.