જૂનાગઢ: ઐતિહાસિક નગરી જૂનાગઢમાં (junagadh news) અનેક ઐતિહાસિક સ્મારકો, ઇમારતો અને દેવસ્થાનો આજે પણ હૈયાત છે. જૂનાગઢ ઉપરકોટ (Uparkot) કિલ્લાની એકદમ અડીને ચામુંડા (Chamunda) માતાજીનું અતિપ્રાચીન મંદિર (Historical Temple) આવેલું છે, જે કેટલું જૂનું (Old) છે તેનો કોઈ આધારભૂત પુરાવો આજસુધી પ્રાપ્ત થઈ શક્યો નથી! પરંતુ સ્થાનિકોના જણાવ્યાં અનુસાર આ મંદિર ઉપરકોટની દીવાલ (Uparkot History) સાથે જોડાયેલું હોવાથી ઉપરકોટના કિલ્લાની પ્રાચીનતા જેટલો જ સમય આ મંદિરને થયો હશે! એવી માન્યતા પ્રવર્તી રહી છે.
ગિરનાર દરવાજાની નજીક આવેલ ગરબી ચોકની ડાબી બાજુએ આવેલ ઉપરકોટ તરફ જતાં ઢોળાવવાળા રસ્તા પર આગળ વધતાં ઉપરની બાજુએ ચામુંડા માતાજીનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજતા ચામુંડા માતાજીની સિંદૂર વર્ણનું મુખ ઉપરકોટની દીવાલ સાથે જોડાયેલું છે. અહીંયા મંદિરમાં ચામુંડા માતાજીની કોઈ પ્રતિમા નથી, પરંતુ માતાજીનું મુખ જ દ્રશ્યમાન છે. સ્થાનિકોને મત મુજબ આ માતાજી સ્વયંભુ પ્રગટ થયેલાં હોવાનું જણાય છે, તેથી એવું માનવામાં આવે છે કે ઉપરકોટનો કિલ્લો જેટલો જૂનો છે, આ માતાજીનું મંદિર પણ એટલુંજ જૂનું છે.
ઇતિહાસમાં થયેલા ઉલ્લેખ મુજબ, ઉપરકોટનો કિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના નાનાજી રાજા ઉગ્રસેનએ બંધાવ્યો હતો, તે પછી ઇ.સ.700 વર્ષ સુધી આ કિલ્લો ઉજ્જડ પડ્યો રહ્યો. આ કિલ્લાનું ઇ.સ.940 થી 975માં જૂનાગઢનાં રાજા રા’ગ્રહાર તથા તેના અનુગામીઓએ સમારકામ કરાવ્યું. ત્યારબાદ ઇ.સ.1025 થી 1067 ના સમય દરમિયાન આ કિલ્લાનું સમારકામ રા’નવઘણ અને રા’ખેંગારે કરાવ્યું. જે પછી ઇ.સ.1450માં રાજા રા’મંડલિક અને ત્યારબાદ ઇ.સ.1893-94 માં જે તે સમયના દિવાન દ્વારા આ કિલ્લાનો જીણોદ્ધાર થયો હોવાની માન્યતા છે, ત્યારે આ કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા ચામુંડા માતાજીનું મંદિર આશરે 1300 વર્ષ પહેલાનું હોવાની માન્યતા સેવાઇ રહી છે.
હાલમાં ચામુંડા માતાજીનું મંદિર જ્યાં સ્થિત છે, ત્યાં પહેલા જંગલ વિસ્તાર હોવાથી મંદિરે પહોંચવા માટે નાની કેડી જ હતી, જેથી કોઈ લોકોને આ મંદિર વિશેનો ખ્યાલ ન હતો, પરંતુ ગત વર્ષ 2014 માં આ મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો અને ધીમેધીમે અહિયાં આવતા ભાવિકોની સંખ્યા પણ વધારો થતો ગયો.
અહીં ચામુંડા મંદિરની બાજુમાં ખોડિયાર માતાજી તથા ચામુંડેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. આ મંદિરમાં દર ચૈત્રી નવરાત્રિ તેમજ આસો માસની નવરાત્રિમાં માતાજીનું અનુષ્ઠાન-પૂજા વગેરે કરવામાં આવે છે, ઉપરાંત આઠમના દિવસે હવનનું પણ આયોજન થાય છે. દર માસની પૂનમ ભરવા અહિયાં દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. જેથી આ મંદિરે દર પૂનમે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન થાય છે. નાતજાતના કોઈપણ ભેદભાવ વગર અનેક ભક્તો અહીં આવીને માતાજીનો પ્રસાદ જમે છે. ઉપરકોટની દીવાલ સાથે જોડાયેલા આ ઐતિહાસિક મંદિરના દર્શન કરવા એ જીવનનો એક લ્હાવો છે.