જૂનાગઢના એમ.જી.રોડ (M.G.Road) પર આવેલ મોબાઇલની એક દુકાનમાં (Mobile Shop) વહેલી સવારે તસ્કરોએ હાથ ફેરો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં દુકાનમાં રહેલ 100 થી વધારે મોબાઈલ (Mobile) સહિત રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે (Junagadh Police) સીસીટીવી કેમેરાની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢની મુખ્ય બજારોમાં દુકાનના તાળા તૂટ્યાની અનેક ઘટનાઓ બની છે, ત્યારે વધુ એક ઘટના આજરોજ તા.29મી નવેમ્બરના રોજ સામે આવી છે. જૂનાગઢ શહેરના એમ.જી.રોડ પર આવેલ ફોનવાલા મોબાઈલ શોપમાં આજે વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતાં. શોપ મેનેજર ઇકબાલ કાદરીના જણાવ્યાં અનુસાર; વહેલી સવારે તસ્કરે દુકાનનું શટર વચ્ચેથી બેન્ડ કરીને અંદર ઘુસ્યાં હતા.
વધુમાં જણાવ્યું કે, અંદાજે રૂ.15 લાખ ના મોબાઈલ ફોન તથા એસેસરીઝ અને ₹90 હજાર જેટલી રોકડ રકમ તસ્કરો ઉઠાવીને રફુચક્કર થયાં છે. આ અંગે પોલીસ તંત્રને જાણ કરતાં તાત્કાલિક પોલીસ હાજર થઈ હતી અને તપાસ હાથ ધરી હતી. હાલમાં મોબાઈલ શોપની સામે આવેલ ખાનગી બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
સીસીટીવી કેમેરામાં જે દ્રશ્યો કેદ થયાં, તે મુજબ સવારે 5.20 ની આજુબાજુના સમયગાળામાં ચાર જેટલા તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો મોબાઈલ, એસેસરીઝ અને રોકડ રકમ પણ સાથે લઈ ગયેલ છે. તસ્કરો મોબાઈલના બોક્સ ફાડીને, માત્ર મોબાઈલ જ સાથે લઈ ગયાં છે, તેવું શોપ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જૂનાગઢ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે સીસીટીવી ફુટેજના આધારે તાત્કાલિક ધોરણે ચોરને પકડી પાડવામાં આવશે, તેવું જાણવા મળી રહ્યું છે.