Ashish Parmar Junagadh : જુનાગઢ જિલ્લાના કેશોદ માં રહેતી એક યુવતી છેલ્લા 17 વર્ષથી મૂંગા પશુઓને જમવાનું આપી રહી છે રાત્રિના સમયે પોતાની આ ભોજનશાળા અવિરત શરૂ રાખવાનો સંકલ્પ સાથે આ સેવા કાર્ય શરૂ છે.
કેશોદના લીમડા ચોક વિસ્તારમાં રહેતા જુહીબેન ભીમજીભાઈ કારિયા રોજ રાત્રે 9 કલાકે ભુખ્યા શ્વાનની જઠરાગ્નિ ઠારવા ઘરેથી નીકળી જાય છે અને આસપાસની 15 જેટલી સોસાયટી ફરી રોજ મધ્યરાત્રી સુધી આશરે 250 શ્વાનને રોટલી, રોટલાં, લોટ, દુધ, દહીં, છાશ, શીરો અને શ્વાન માટેના બિસ્કિટ ખવડાવે છે.
હવે તો શ્વાન પણ જોવા લાગ્યા છે રાહ
છેલ્લા 17 વર્ષથી તેમના આ ભગીરથ કાર્યમાં શ્વાન પણ તેમની આ દિનચર્યા થી ટેવાઈ ગયા છે. જેવો રાત્રીના સમયે આ યુવતીનો આવવાનો સમય થાય કે તુરંત શ્વાન તેમની રાહ જોવાનું શરૂ કરી દે છે. યુવતીના આવવાની સાથે શ્વાન યુવતી સાથે મિત્ર ભાવ જેવો વ્યવહાર કરવા લાગે છે. યુવતી આ સેવા મધ્યરાત્રીના 12 થી 1 કે પછી તેને જયાં સુધી આનંદ આવે ત્યાં સુધી ચાલું રાખે છે.
ભૂતકાળમાં આ કાર્યમાં પાડ્યો માતા પિતા તરફથી માર
ભૂતકાળમાં તેના માતા - પિતા દ્વારા દીકરી રાત્રીના ઘરની બહાર નીકળે તે પસંદ ન આવતાં યુવતીને માર પણ પડેલો હતો. જો કે પરીવારને યુવતીની આ સેવાની ખબર પડતાં તેઓ પણ આ સેવા કાર્યમાં જોડાઇ ગયાં છે.
તમામ રકમ અબોલ પશુઓ પાછળ ખર્ચી નાખે છે
યુવતી રોજ શ્વાનને ખવડાવવા 500 જેવી રકમનો ખર્ચ કરી નાંખે છે. જ્યારે જુહીબેન આ ખર્ચ કેવી રીતે ઉઠાવે છે તે અંગે પુછવામાં આવતાં જુહીબેને જણાવ્યું હતું કે દિવસના આસ્થા વિકલાંગ સંસ્થામાં નોકરી કરે છે અને ફાજલ સમયમાં હોઝીયરી કટલેરી જેવી ચીજ વસ્તુઓનું વેચાણ કરી તમામ રકમ શ્વાનની જઠરાગ્નિ ઠારવા ખર્ચી નાખે છે.
શ્વાન યુવતી સાથે મિત્ર ભાવ જેવો વ્યવહાર કરવા લાગે
સમયાંતરે શ્વાન અને તેના બચ્ચાંની સુરક્ષા માટે શણના કોથળા, કાગળના પૂંઠા પથ્થરથી ઘર પણ બનાવી આપે છે અને મહિનાના 2 દિવસ ગૌ માતાના ચારાની પણ વ્યવસ્થા કરે છે.
યુવતીના પરિવારમાં કોણ કોણ છે
યુવતીના પરીવારમાં 7 બહેનો અને માતા પિતા છે. જેમાંથી 5 બહેનો સાસરે છે. તે પૈકી એક બહેન સાસરે જતાં તેના દ્વારા શ્વાનની સેવા કરવાની પ્રેરણા જુહીબેનને મળી છે તેથી જુહીબેને આ સંપૂર્ણ સેવા તેમના શીરે લઈ લીધી છે. જયારે જીવનસાથી પસંદ કરવા અંગે સવાલ પૂછતા તે અંગે તેમણે જણાવ્યું હતું કે જે ભવિષ્યમાં આવનારી વ્યક્તિ તેના આ સેવા કાર્યમાં જોડાશે તેવા જીવનસાથીને તે પસંદ કરશે નહિંતર માત્ર તે શ્વાન માટે જીવન વ્યતિત કરશે.
શ્વાનની સેવા રાત્રીના શા માટે ?
સોસાયટીમાં રહેતાં લોકોને શ્વાનનું ભસવું, લડાઇ ઝઘડા કરવા કે આંગણું ખરાબ કરવું પસંદ ન હોય, રાત્રીના જમવાનું મળતું ન હોય શ્વાન આમ તેમ ભટકતા રહે છે. આ સાથે પોતાને પણ શ્વાનની સેવા કરવા આર્થિક વ્યવસ્થા ઉભી કરવા નોકરી કરવી ફરજીયાત છે.જેથી દિવસ દરમિયાન નોકરી કરી રાત્રિના સમયે શ્વાનની સેવા કરે છે.
યુવતીની અનન્ય સેવાઓ
શ્વાનની જઠરાગ્નિ ઠારવાની સાથે સાથે તે પક્ષીઓની સુરક્ષાને ધ્યાને રાખી પક્ષી લટકી ને ચણ આરોગી શકે તે માટે નિ:શુલ્ક પ્લાસ્ટિકના લટકતાં ચબુતરાનું પણ દાન કરે છે. શ્વાન અકસ્માતનો ભોગ બને કે તે બિમાર પડે તો તે સ્વખર્ચે તે સાજુ થાય ત્યાં સુધી દવાખાને લઈ જઈ સારવાર આપે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો.
આ રહ્યું અમારું મેઇલ આઇડી : ashish.parmar@news18.in