Junagadh Latest News: કેશોદમાં આવારા તત્વોને પોલીસનો ડર ન હોય તેમ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલા બસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીઓ સામે અવારનવાર રોમિયોગીરી કરતા યુવાનના ત્રાસને લઈ વિદ્યાર્થિનીઓ પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી.
અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદ (Keshod)માં ખાખીનો કોઈ ડર ન રહ્યો હોય તેવા બનાવો બની રહ્યા છે. લુખ્ખા તેમજ આવારા તત્વો ભયનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા છે અને સ્થાનિક લોકો પણ આવારા તત્વોના ડરને કારણે પોલીસ ફરિયાદ (Police complaint) કરવાનું પણ ટાળી રહ્યા છે. જિલ્લામાં લુખ્ખાઓ ફાટીને ઘૂમાડે ગયા હોય તેવો બનાવ બન્યો છે. બનાવ બાદ લોકોમાં પણ ડરની લાગણી ફેલાઈ ગઈ છે. બીજી બાજુ કેશોદ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય દેવાભાઇ માલમ (Devabhai Malam) હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે, ત્યારે પોતાના મત વિસ્તારમાં આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.
મળતી માહિતી પ્રમાણે શુક્રવારે કેશોદના બસ સ્ટેશનથી ચાર ચોક વચ્ચે એક ઈસમે છરી જેવું હથીયાર બતાવી ત્યાંથી પસાર થઈ રહેલી એસ.ટી. બસને આંતરી હતી. ઇસમે ડ્રાઇવર સાથે બોલાચાલી કને એસ.ટી. બસને ઊભી રખાવી હતી. મુખ્ય રસ્તા પર જઈ રહેલી બસને થોભાવી દેતા રોડ પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. જેના પગલે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, રોડ વચ્ચે ચાલી રહેલા ડ્રામા છતાં કોઈ કશું બોલવા તૈયાર ન હતી. એટલે કે માથાભારે ઈસમે મુખ્ય રસ્તા વચ્ચે જ ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું.
થોડા સમય પછી પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પ્રકાશ ઉર્ફ પકા કારાભાઈ હડીયાની અટક કરી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. પોલીસ પ્રકાશને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તપાસમાં પ્રકાશ નશો કરેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે એસ.ટી. બસની આડે રાખી દેવામાં આવેલી તેની કાર ડિટેઇન કરી હતી. બીજી તરફ એસ.ટી. બસના ચાલકે ફરજમાં રૂકાવટ તેમજ હથિયાર બતાવ્યા અંગેની ફરિયાદ આપી હતી. કેશોદમાં આવારા તત્વોને પોલીસનો ડર ન હોય તેમ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલા બસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીઓ સામે અવારનવાર રોમિયોગીરી કરતા યુવાનના ત્રાસને લઈ વિદ્યાર્થિનીઓ પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી. આમ કેશોદ શહેરમાં આવારા તત્વો પોતાનો ખૌફ ફેલાવી રહ્યા છે.
બીજી બાજુ કેશોદ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય દેવાભાઇ માલમ હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે, ત્યારે પોતાના મત વિસ્તારમાં આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. હાલ જાહેર રસ્તા પર એસ.ટી. બસને રોકીને ભય ફેલાવનારો પ્રકાશ કેશોદ પોલીસ કસ્ટડીમાં છે, જાણવા મળતી વિગતો મુજબ તેનો ગુનાહિત ઈતિહાસ પણ મોટો છે. પોલીસ આ ઈસમ સામે કાયદાનું શસ્ત્ર ઉગામી લોકોને ભયમુક્ત કરે તેવી માંગ ઉઠી છે.