ગીરના જંગલોમાં સિંહોના આંટાફેરા કોઈ નવી વાત નથી. ગીરના જંગલો તેમનું ઘર છે. માનવ વસ્તીવાળા વિસ્તારોમાં સિંહોના આંટાફેરા પણ હવે નવી વાત નથી. પરંતુ હવે તો સિંહો મંદિરોનાં દર્શને પણ પહોંચી રહ્યા છે! તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. સિંહો હવે મંદિરોના આટાફેરા કરી રહ્યા છે. આવો જ એક બનાવ સામે આવ્યો છે.
નોંધનીય છે થોડા દિવસો પહેલા એક સિંહ ખોડિયાર માતાના દર્શને આવી પહોંચ્યો હતો. હવે ગીર ગઢડા નજીક જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવના મંદિરે એક સિંહણ દર્શન કરવા આવતા લોકોમાં કુતૂહલ ફેલાયું છે.
બુધવારે જંગલમા આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારે શ્રાદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે મહાદેવ મંદિરના પગથિયા પરથી એક સિંહણ ઉતરતી જોવા મળતા શ્રદ્ધાળુઓમાં ભયનો મહોલ ફેલાયો હતો. એક શ્રદ્ધાળુએ પોતાના મોબાઈલ કેમરામાં સિંહણ સીડી પરથી ઉતરતી હોય તેવા દ્રશ્યો કેદ કરી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ગીર ગઢડાના ફરેડા ગામના જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે અનેક વખત સિંહનો ભેટો શ્રદ્ધાળુઓ સાથે થતો હોય છે. શ્રદ્ધાળુઓને મહાદેવના દર્શન સાથે સાથે સિંહ દર્શનનો પણ લ્હાવો મળતો હોય છે.
છેલ્લા બે વર્ષમાં ગીરના જંગલમાં 184 સિંહના મોત
થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં પૂછાયેલા સવાલના જવાબમાં ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહોને લઈને ચોંકવનારા આંકડાઓ સામે આવ્યા હતા. સત્ર દરમિયાન કોંગ્રેસ તરફથી પૂછવામાં આવેલા સવાલનો જવાબ રજૂ કરતા સરકારે સિંહોનાં મોતને લઈને ખુલાસો કર્યો હતો. સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં 184 સિંહનાં મોત થયા છે.
સરકારે જણાવ્યું હતું કે, 31મી ડિસેમ્બર 2017ની સ્થિતિને જોતા છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહનાં મોત થયા છે. જેમાં વર્ષ 2016માં 104 અને 2017માં 80 સિંહના મોત થયા હતા. એટલે કે વર્ષ 2016ની સરખામણીમાં વર્ષ 2017માં ઓછા સિંહ મોતને ભેટ્યા છે. મોતને ભેટનાર કુલ સિંહોમાં 39 સિંહ, 74 સિંહણ અને 71 સિંહબાળનો સમાવેશ થાય છે. મૃતકોની કુલ સંખ્યામાંથી 152 સિંહો કુદરતી રીતે મોતને ભેટ્યા હતા. જ્યારે 32 સિંહનાં મોત આકસ્મિક રીતે થયા હતા.
કુદરતી રીતે મોતને ભેટેલા સિંહોની સંખ્યા વર્ષ પ્રમાણે સરખાવવામાં આવે થો કુલ 152માંથી 92 સિંહના મોત 2016ના વર્ષમાં અને 60 સિંહના મોત 2017માં થયા હતા. જ્યારે અકુદરતી રીતે મોતને ભેટેલા સિંહના કેસમાં 2016માં 30 અને 2017માં 12 સિંહના મોત થયા હતા.