ગીર જંગલમાં બની અદ્ભુત અને વીરલ ઘટના, સિંહે કર્યો વાનરનો શિકાર!
ગીર જંગલમાં બની અદ્ભુત અને વીરલ ઘટના, સિંહે કર્યો વાનરનો શિકાર!
સિંહે વાનરનો શિકાર કર્યો.
Lion attacks monkey: સામાન્ય રીતે સિંહો ક્યારેય વાનરોનો શિકાર કરતા નથી. આ કિસ્સામાં ટીખળ કરી રહેલા વાનોના ઝુંડમાંથી સિંહે એકને પંજો મારતા તેના રામ રમી ગયા હતા.
અતુલ વ્યાસ, જૂનાગઢ: સાસણ ગીર અભયારણ્ય (Gir National Park)ના કમલેશ્વર ડેમ (Kamleshwar Dam) વિસ્તારમાં એક અદ્ભુત ઘટના બની હતી. જેમાં એક વનરાજે વાનરનો શિકાર કર્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ બપોરના સમયે કમલેશ્વર ડેમ વિસ્તારમાં સિંહ આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે વાનરોનું એક ટોળું ટીખળે ચડયું હતું. વાનરોની ટીખળને પગલે આરામ ફરમાવી રહેલા સિંહને ખલેલ પહોંચી હતી.
થોડા સમય માટે સિંહે સહન પણ કર્યું હતું પરંતુ વાનરોનું ટોળું શાંત રહ્યું ન હતું. અંતે એક વનરાજાએ મિજાજ ગુમાવ્યો હતો અને ટીખળ કરતા વાનરના ટોળામાંથી એક વાનરને પંજો મારતા વાનરના રામ રમી ગયા હતા.
વાનરોના ટોળામાં સન્નાટો!
વનરાજાએ મિજાજ બતાવતા વાનરોના ટોળામાં સન્નાટો વ્યાપી ગયો હતો. બાદમાં સિંહ મૃત વાનરને પોતાના મોઢામાં પકડીને 500 મીટર દૂર ગયો હતો અને મૃત વાનરને ત્યાં જ છોડીને પોતાના રસ્તે ચાલી નીકળ્યો હતો.
સામાન્ય રીતે સિંહ વાનરોનો શિકાર કરતા નથી. જોકે, આ ઘટનામાં સિંહે મિજાજ ગુમાવતા પોતે જંગલનો રાજા હોવાનો પરચો બતાવીને વાનરને યમલોક મોકલી દીધો હતો. જાણકારોના કહેવા પ્રમાણે આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. વન વિભાગના ટ્રેકર રહીમ બલોચે આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉનાળામાં ગરમીને કારણે સિંહો પાણીની નજીક વસવાટ કરતા હોય છે. એ પ્રમાણ કમલેશ્વર ડેમ આસપાસ પણ હાલ સિંહોનો વસવાટ છે.
સિંહની વસ્તી
દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં એશિયાટિક સિંહોની વસ્તી છે. ગત વર્ષે જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે દેશમાં સિંહોની વસ્તી વધીને 674 થઈ છે. 2015ના વર્ષમાં આ આ સંખ્યા 529 હતી. એટલે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સિંહના વિચરણનો વિસ્તાર હાલ 30 હજાર ચોરસ કિલોમીટર જેવો છે. સિંહોના વિસ્તરણ વિસ્તારો જોઈએ તો તેમાં ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર