જૂનાગઢ: ગુજરાત ભરમાં હાલ લોકરક્ષક ભરતીને (LRD Recruitment) લઈને જોરશોરથી તૈયારીઓ (Preparation) ચાલી રહી છે. ગત તા.3જી ડિસેમ્બર થી લોકરક્ષક દળની ભરતી માટેની શારીરિક કસોટી (Physical Test) લેવાની શરૂઆત પણ થઈ ચૂકી છે, ત્યારે યુવા ઉમેદરવારો જોરશોરથી તૈયારી કરી રહ્યાં છે. ખાસ કરીને, જૂનાગઢ કૃષિ યુનિ.ના (JAU) ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ઉમેદરવારો શારીરિક કસોટી માટેની જુસ્સાભેર તૈયારી કરી રહ્યાં છે.
તાજેતરમાં ચાલી રહેલ લોકરક્ષક દળની ભરતી માટેની શારીરિક કસોટી ગત તા.3જી ડિસેમ્બર થી શરૂ કરવામાં આવી છે, જે આગામી તા.29 જાન્યુઆરી, 2022 સુધીમાં પૂર્ણ થશે. જેમાં 10,459 લોકરક્ષક દળના જવાનો અને 1382 PSI ની જગ્યા માટે ભરતી થનાર છે, ત્યારે અંદાજીત 12 લાખ જેટલા ઉમેદવારોએ લોકરક્ષકની ભરતી માટે ઉમેદવારી નોંધાવી છે. જે અનુસંધાને જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે હજારોની સંખ્યામાં ઉમેદવારી નોંધાવેલા ભાઈઓ-બહેનો ફિઝિકલ ટેસ્ટ માટેની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યાં છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિશાળ ગ્રાઉન્ડમાં સવારે 5 વાગ્યાથી જ ભાઈઓ-બહેનો પ્રેક્ટિસ માટે ઉમટી પડે છે. હજ્જારોની સંખ્યામાં ભાઈઓ-બહેનો તનતોડ મહેનત કરી રહ્યાં છે. પ્રેક્ટિસ કરનાર યુવાનોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોજના કલાકો સુધી પ્રેક્ટિસ કરતાં યુવાનોએ આપેલી માહિતી મુજબ; તેઓ રનિંગની સાથે-સાથે સ્ટ્રેચિંગ, વાર્મ-અપ સહિતની એક્સરસાઇઝ કરી રહ્યાં છે. કૃષિ યુનિ.ના ગ્રાઉન્ડમાં અનુભવી કોચ અને એક્સ આર્મી ઓફિસરો દ્વારા યુવા ભાઈઓ-બહેનો જરૂરી માર્ગદર્શન અને કોચિંગ પણ આપવામાં આવી રહ્યું છે.