Ashish Parmar, Junagadh: એવુ કહેવાય છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે ત્યારે જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકામાં આવેલું અરણિયાળા ગામ સૌને રાહ ચિંધે છે. આ ગામમાં એમ કહો કે, પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે. એક જ વ્યક્તિ સમાજને નવી રાહ બતાવે છે. એક વ્યક્તિ ધારે તો શું નથી કરી શકતો. એક વ્યક્તિની કોઠાસૂઝને કારણે આખું ગામ આજે પાણી સમસ્યાને જાકારો આપી દીધો છે.
અહી વાત છે જૂનાગઢના મેંદરડા તાલુકાના અરણીયાળાના રહેવાસી નારણભાઈ ડોબરિયાની. તેમણે પોતાની આવડતથી ભૂગર્ભ ટાંકાઓ બનાવી પાણીનો સંગ્રહ કરી સમાજને નવી રાહ વર્ષો પહેલા બતાવી છે.
પોતાની કુનેહ અને આવડતને લીધે પોતાના ઘરમાં પાણીનો ભૂગર્ભ ટાંકો બનાવ્યો હતો. ત્યારબાદ એક સમયે પાણી સમસ્યા ગામમાં સર્જાઈ હતી. પરંતુ નારણભાઈને આવી કોઈ જ મુશ્કેલી પડી નથી. કેમકે પોતાના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહનો તેમને બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી ઉનાળાની ઋતુ આરામથી પસાર કરી હતી. ત્યાર પછી આ કુનેહને ગામના તમામ લોકો સુધી પહોચાડી અને જલ સંચયની મહત્વતા શું છે તે સમજાવી.
જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના અરણીયાળા ગામ છેલ્લા 15વર્ષ થી જળ સંચય માટે જાગૃત બની ગયું છે. અને આખા ગામે ભૂગર્ભ ટાંકા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીની સમસ્યાને જાકારો આપી દીધો છે.
અરણિયાળા ગામ આમ તો 4500 ની વસ્તી ધરાવતું ગામ છે. પરંતુ આ ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની કોઈ જ સમસ્યા નથી. દરેક ઘરમાં 30 થી 50 હજાર લીટર ના ભૂગર્ભ ટાંકાઓ બનાવામાં આવેલા છે. જેમાં ચોમાસામાં પહેલા વરસાદથી જ પાણીનો સંગ્રહ કરવાની શરુઆત કરી દેવામાં આવે છે.
લોકો સ્વખર્ચે ભૂગર્ભ ટાંકા બનાવવા માટે જાગૃત બન્યા
આ ગામને કેન્દ્ર તથા રાજ્ય સરકારની કોઈપણ પ્રકારની સહાય ચૂકવવામાં આવી નથી. તથા ગ્રામ પંચાયત દ્વારા પણ કોઈપણ પ્રકારની સહાય કરવામાં આવી નથી. જેને અનુલક્ષીને ગામ લોકો જાતે જ પાણીની તંગી સામે લડવા મક્કમ બન્યા હતા. અને પોતાના ઘરે જ ભૂગર્ભ ટાંકાઓ બનાવી અને પાણીની તંગી સામે છુટકારો મેળવ્યો હતો.
ગામની 75% વસ્તી ભૂગર્ભ જળ પર આધારિત
આ ગામની 75 ટકા વસ્તી ભૂગર્ભજળ પર આધારિત છે તથા 4500ની વસ્તીનો આ ગામ અને 75% વસ્તી ભૂગર્ભ જળ પર આધારિત હોય તો તે એક ખૂબ જ સરસ કિસ્સો ગણાવી શકાય. તથા આ ગામમાંથી લોકો પાસેથી જ પ્રેરણા લઈ અનેક લોકોએ નવું ઘર બનાવતાની સાથે જ ભૂગર્ભ ટાંકાઓ બનાવવાનું સૌથી પહેલાં નક્કી કરે છે અનેક લોકોએ RO સિસ્ટમ પણ કઢાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી અને પીવા માટે ચોખ્ખું પાણી ઉપયોગમાં લેતા થયા છે.
લોકોએ RO ફિલ્ટર સિસ્ટમ કઢાવી નાખી
વરસાદી પાણી સંગ્રહ થી લોકો વરસાદનું મીઠું પાણી પીવાથી ટેવાઈ ગયા છે. અને ત્યાં સુદ્ધાં કે ગામની વસ્તીના દરેક લોકો જે વરસાદી પાણીનું સંગ્રહ કરે છે તે લોકોએ પાણી ફિલ્ટરની સિસ્ટમ કઢાવી નાખી છે. અને વરસાદનું મીઠું પાણી પીવાનું જ પસંદ કરી રહ્યા છે.