જૂનાગઢ: તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve bank of India) દ્વારા લેવાયેલા એક નિર્ણયની જાણ થતાં જૂનાગઢના વેપારીઓએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. આ નિર્ણયના નિયમ મુજબ, જે કોઈ વેપારી એમનું કરંટ એકાઉન્ટ એક કરતા વધારે બેંક માં ધરાવતાં હોય અથવા જે કોઈ વેપારીએ સીસી, ઓડી, લોન દ્વારા બેંક પાસેથી ધીરાણ એક અથવા વધારે બેંક પાસેથી લીધેલું હોય અને એ જ વેપારીના કરંટ એકાઉન્ટ એક અથવા વધુ બેંકોમાં હોય તો, એમણે કોઈ એક જ બેંકમાં જરૂરિયાત મુજબનું એક જ એકાઉન્ટ રાખવાનું રહેશે. ટૂંકમાં એક વેપારી પેઢીએ ગમે તે એક જ બેંકમાં કરંટ અથવા લોન એકાઉન્ટ રાખવાનું રહેશે.
વન ફર્મ - વન બેંક એકાઉન્ટ
આ વિશે જૂનાગઢના વેપારીઓ કહી રહ્યા છે કે, આવી પરિસ્થિતિમાં સૂકા પાછળ કાયમ લીલું બળતું હોય છે. પાડાના વાંકે પખાલીને જ ડામ મળે છે, એમ પ્રામાણિક અને નિષ્ઠાવાન વેપારીઓની સાથે પણ આવું જ થયું છે. આ નિર્ણયની જાણ માત્ર ઈમેલ દ્વારા કરવામાં આવી છે. તેમજ બેલેન્સ માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર કોઈ જ પ્રકારની માહિતી આપ્યા વગર કે બેંકો દ્વારા ક્લાયન્ટનું કેવાયસી ફરીથી અપડેટ કર્યા વગર જ આવા નિર્ણયો અમલમાં ન મૂકવા જોઈએ. આવા દૂરગામી ગંભીર અસરો ધરાવતા નિર્ણયોની જાણ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનોને અગાઉથી જાણ કરીને કે મીડિયા દ્વારા આ બાબતે વિસ્તૃત માહિતી આપીને અગાઉથી માહિતગાર કરવા જ જોઈએ.
હાલમાં પરિસ્થિતિ એ થઈ છે કે, જે વેપારીઓએ કોરોના કાળ દરમિયાન પેમેન્ટ માટેના ચેક અગાઉથી આપેલા છે, એમને આ નિયમ લાગુ પડવાથી બેંકો એ તાત્કાલિક અસરથી કરંટ એકાઉન્ટ બંધ કરીને, ઈશ્યૂ કરેલા ચેક બાઉન્સ થતાં વેપારીઓને ભયંકર આર્થિક નુકસાન થયું છે. જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જેવી બહુ જ પ્રતિષ્ઠિત સંસ્થા માટે આ એક ભુલ અક્ષમ્ય અને કાળા ધબ્બા સમાન છે.