જૂનાગઢ PGVCL દ્વારા જન જાગૃતિ અર્થે વીજ સલામતી અને ઉર્જા બચત રેલીનું આયોજન થયું:
આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ\"ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે, જેથી સદર ઉજવણી “જન ઉત્સવ બની રહે તે હેતુથી દેશના ઇતિહાસના અગત્યના માઈલ સ્ટોન સમ કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ હેતુથી PGVCL દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાય તે માટે આગામી તા.30 ડિસેમ્બર, 2021 સુધી PGVCL હેઠળના અલગ અલગ વિસ્તારમાં વિવિધ આઇકોનીક ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે.
જેના ભાગરૂપે તા.21મી સપ્ટેમ્બર ના રોજ સવારે 9.30 કલાકે અધિક્ષક ઇજનેર, જૂનાગઢ વર્તુળ કચેરી, PGVCL ના નેજા હેઠળ જન જાગૃતિ અર્થે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા અંદાજે 200 જેટલા અધિકારીઓ/ કર્મચારીઓ દ્વારા ઉર્જા બચત અંગેના વિવિધ બેનરો સાથે ઉર્જા બચત રેલીનું આયોજન કરેલું હતું. જેમાં જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે; આઝાદ ચોકથી લઈ ચિંતાખાના ચોક સુધીના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવેલ હતો.
જૂનાગઢ અને ભવનાથમાં રહ્યો વરસાદી માહોલ, સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 29 મિમી જેટલો વરસાદ પડ્યો
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગત સમયમાં ભારે વરસાદ પડ્યો, થોડા દિવસના વિરામ બાદ આજરોજ તા.21મી સપ્ટેમ્બર ના રોજ મેઘરાજાએ ફરી મંડાણ કર્યું છે. જૂનાગઢ અને ભવનાથ વિસ્તારમાં આજ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો, સવારે 6 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેર અને રૂરલ વિસ્તારમાં 29 મિમી જેટલો વરસાદ પડતાં પાણી વહેતાં થયાં છે.
ખાસ કરીને ગિરનારમાં મોટા પ્રમાણમાં વરસાદ પડવાને કારણે શાંત પડેલ દામોદર કુંડ અને સોનરખ નદીમાં ફરી પાણી વહેતા થયાં છે. આ સાથેજ વાદળોની સાથે વાતો કરતી ગિરનારની સુંદર પર્વતમાળાઓ કેમેરામાં કેદ થઈ છે.