જૂનાગઢમાં ઠંડી પડી રહી છે. આગામી દિવસોમાં તેમાં વધારો થશે. ત્યારે જૂનાગઢ ઝૂમાં ઠંડીથી રક્ષણ મળે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પ્રાણીનાં પાંજરામાં હિટર અને લેમ્પ મુકવામાં આવ્યાં છે.
Ashish Parmar Junagadh : હાલમાં શીયાળાની મોસમ ચાલી રહી છે.લોકો કામ સિવાય ઠંડીથી બચવા બહાર નિકળવાનુ ટાળી રહયા છે.આવા સંજોગોમાં જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વન્યજીવોને ઠંડીથી રક્ષણ આપવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ વ્યવસ્થા કરવાથી હાલ પ્રાણીઓને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઝૂ સત્તાવાળાઓએ પક્ષીઓ માટે પીંજરા ઉપર નેટ પાથરવામાં આવી છે. હિસક પ્રાણીઓનાં પાંજરામાં હિટર મુકવામાં આવ્યા છે.
માંસાહારી પ્રાણીનાં ખોરાકમાં વધારો કરાયો
શિયાળાને લીધે ઝૂ સત્તાવાળાઓ દ્વારા પ્રાણીઓના ભોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માંસાહારી પ્રાણીઓનાં ભોજનમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લીધે તેના શરીરનું તાપમાન જાળવાઇરહે. તેમજ સરીસૃપ વર્ગ માટે માટલામાં લેમ્પ મુકવામાં આવ્યા છે.જેના કારણે બહારના તાપમાન કરતા અંદરનુ તાપમાન 5થી 6 ડીગ્રી વધુ રહે છે. જેથી બહારના વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હોય તો પણ પ્રાણીઓને વધારે ઠંડી લાગતી નથી અને ગરમીનો અહેસાસ થાય છે. જેથી વધારે ઠંડીમાં તેને સામનો કરવો પડતો નથી.
ઋતુગત ફેરફારોને આધીન પ્રાણીઓ સચવાય છે
સક્કરબાગ ઝૂમાં ઋતુગત ફેરફારો ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં શિયાળા,ઉનાળો અને ચોમાસામાં પ્રાણીઓ વાતાવરણને અનુકૂળ જીવી શકે તે માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જેમાં શિયાળામાં ગરમી આપવામાં માટે હીટર તથા સુકુ ઘાસ પાથરવામાં આવે છે તથા ઉનાળામાં ઠંડક પ્રસરવા માટે જુદા જુદા ફુવારા તથા બરફથી ઠંડક આપવામાં આવે છે. આ રીતે ઋતુગત ફેરફારોને અનુસરીને સક્કરબાગ ઝૂ હાલમાં પ્રાણીઓની ખાસ કાળજી લઈ રહ્યું છે. આમ સકકરબાગમા પ્રાણીઓ ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરી રહયા છે.