જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતાયુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ છાત્રોએ બંધારણના જતન અંગેના શપથ લીધા હતા.
Ashish Parmar,Junagadh : જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સ્થાયી છે. આ યુનિવર્સિટીમાં ચાર જિલ્લાનું સંચાલન થાય છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની કોલેજનો સમાવેશ યુનિવર્સિટીમાં થાય છે. યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બંધારણના જતન અંગેના શપથ લેવડાવ્યા
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ રવિ ત્રિપાઠીએ ઓનલાઇન વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં જસ્ટિસ રવિ ત્રિપાઠીએ બંધારણના આમુખ જીવન જીવવાનો અધિકાર, કાયદાનું શાસન ,સ્ત્રીઓના હક, લોકશાહી, સરમુખત્યારશાહી, માનવ અધિકારો વગેરે પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન આપ્યું હતું.તેમજ વ્યાખ્યાનના અંતે ભારતની લોકશાહીનું મહત્વ સમજાવવા અર્થે બંધારણના જતન અંગેના શપથ લેવડાવ્યા હતા.
આ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા
આ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબરે કેમેસ્ટ્રી વિભાગના સુરેશ બારૈયા વિજેતા બન્યો હતો. દ્વિતીય ક્રમાંકે સામાજિક વિભાગના માકડીયા ધારા અને તૃતીય નંબરે સરવૈયા અમી વિજેતા બન્યા હતા.