જૂનાગઢ : હાલ કોરોનાની મહાનારીનો સામનો કરવા સમગ્ર દેશમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. આવા સમયે જે લોકો વ્યસનના બંધાણી છે તેમને સૌથી વધુ તકલીફ પડી રહી છે. જે લોકોને બીડી, સિગરેટ, માવા કે તમાકુનું વ્યસન છે તેને કોઈપણ હાલતમાં આ વસ્તુઓ ખાધા વગર ચાલતું નથી અને તંત્રએ આ તમામ વસ્તુઓનાં રોકાણ પરહાલ પૂરતો પ્રતિબંધ લાદી દીધો છે. આવા સમયે આ તમામ વ્યસનની વસ્તુઓમાં ખૂબ કાળાબજારી પણ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢથી એક ચોંકાવનારો પત્ર સામે આવ્યો છે. જૂનાગઢના બીડી સિગરેટ હોલસેલ એસોસિએશન દ્વારા કમિશનરને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, વ્યસન આમ તો હાનિકારક છે પરંતુ આ વિસ્તરમાં મહત્તમ લોકો આ વ્યસન એટલી હદે ધરાવે છે કે, લોકોને એક ટંકનું ખાવાનું નહિ મળે તો ચાલશે પણ માવા સિગરેટ કે બીડી વગર નહિ ચાલી શકે.
વ્યસનને પ્રોત્સાહન આપવાની વાત નથી પણ વ્યસનના બંધાણી હોવાથી લોકો તેની તલાશમાં ભટકી રહ્યા છે. વ્યસનની વસ્તુના ખૂબ કાળા બજાર થઈ રહ્યા છે. હોલસેલ વેપારીઓને દુકાન ખોલવા અને માલ આપવા તમામ પ્રકારના દબાણ થઈ રહ્યા છે. આ પત્રમાં એવી પણ ચોંકાવનારી વાત કહેવામાં આવી છે કે, કોરોનાની લડાઈમાં ફરજ બજાવી રહેલા વિવિધ વિભાગના કર્મચારીઓ પણ આ વ્યસનથી બાકાત નથી તેવો પણ વિનંતી કરી રહ્યા છે. બીજી તરફ હોલસેલ વેપારીઓ પણ ઘરે બેસી માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આમછતાં, કાળા બજાર થઈ રહ્યા છે. તેને કારણે ટ્રેડ પણ બદનામ થઈ રહ્યો છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલ આપણે સારા કે ખરાબની વાત નથી કરવી પરંતુ લોકોને ઘરમા રાખવાની વાતને પ્રાધાન્ય આપવા જો લોકોને તેની જરૂરી વસ્તુ મળી જાય એવી વ્યવસ્થા ઉભી કરી શકીએ તો લોકો ઘરની બહાર નીકળતા બંધ થઈ જશે. હાલ ઘરની બહાર નીકળતા લોકોમાં આશરે 30થી 40 ટકા લોકો માત્ર વ્યસનની તલાશમાં નીકળે છે જે એક નરી વાસ્તવિકતા છે. આ બધી બાબત ધ્યાનમાં લઇ વ્યવસ્થા ગોઠવવા આ પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.