ભવનાથમાં શિવરાત્રીના મેળાને લઈને સાધુ સંતોનું આગમન થઈ ચૂક્યું છે. તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.તેમજ સાધુઓ પોતાનાં નિયત સ્થાન પર ધુણા બનાવી રહ્યાં છે.
Ashish Parmar, Junagadh: ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો. આ શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ સંતોનું આગમન થઈ ચૂક્યું છે અને સાધુ સંતો દ્વારા ધુણા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
શિવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી
પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળાને લઈને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે દૂર દૂરથી સાધુ સંતોનું જૂનાગઢમાં આગમન થઈ ચૂક્યું છે. ભવનાથ તળેટી વિસ્તારમાં શિવરાત્રીના મેળા દરમિયાન પાંચ દિવસ ધુણા ધખાવીને શિવ આરાધના કરશે અને શિવભક્તિમાં લીન થઈ જશે.
દૂરદૂરથી માનવ મહેરામણ ઉમટી પડશે
મહાશિવરાત્રીના મેળાને દિવસે સાધુઓની રવેડી નીકળતાની સાથે જ મેળો પૂર્ણ થશે. દૂર દૂરથી સાધુઓ આવી ચૂક્યા છે અને ભવનાથ વિસ્તારમાં પોતાની જગ્યા ઉપર ઈંટ, છાણ અને માટીથી ધુણા બનાવી રહ્યા છે.ત્યારે આ મેળામાં સામેલ થવા માટે દેશના અનેક રાજ્યોમાંથી અનેક લોકો લાખો ની સંખ્યામાં ઉમટી પડશે.
શિવની આરાધનામાં લીન થઈ જશે ભક્તો તેમજ સાધુઓ
અલગ અલગ અખાડા માંથી સાધુઓ અહીં શિવ આરાધના કરવા પાંચ દિવસ દરમિયાન આવતા હોય છે. તેમજ ગુરુદત્તાત્રેય મહારાજ પણ અલૌકિક રીતે આ મેળામાં આવતા હોવાની માન્યતા સાધુ-સંતોમાં છે અને તેમના દર્શન કરવા માટે અહી સાધુઓ શિવ મગ્ન બની એકાકાર થઈ નિજાનંદ મેળવતા હોય છે.
અહી સાધુઓ શિવ આરાધના કરવા પાંચ દિવસ ધૂણી ધખાવીને આ શિવરાત્રીની ઉજવણી કરતા હોય છે. સાથે સાથે અલગ અલગ જગ્યાએથી આવતા સાધુઓના પણ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.